GujaratIndiaNewsPolitics

નલિન કોટડિયાની લૂક આઉટ નોટીસના 4 મહિને મહારાષ્ટ્રના ધૂલિયામાંથી ધરપકડ, અમદાવાદ ક્રાઈમને સફળતા

અમદાવાદ: બીટકોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની મહારાષ્ટ્રના ધૂલિયામાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તે વિદેશ ભાગી જાય તેવી દહેશત સીઆઈડી ક્રાઈમે વ્યક્ત કરી હતી. કોટડીયા સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી.

ત્યારે કોટડીયાએ 4 પત્રો લખ્યા હતાં, છેલ્લા પત્રમાં એક નહીં ચાર દિવસની મુદ્દત માંગી હતી.

કંઈ થાય તો જવાબદારી શૈલેષની

નલિન કોટડીયાએ છેલ્લે ચોથો પત્ર લખ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે, જો મને અથવા તો મારા પરિવારને કંઈ થશે તો તેની જવાબદારી શૈલેષ ભટ્ટની રહેશે. આ સિવાય આ પત્રમાં 240 કરોડના કૌભાંડમાં કેટલાક રાજકીય નેતાઓ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ લખ્યું છે કે, સમય આવશે ત્યારે રાજકીય નેતાઓના નામ પણ આપીશ. તેમજ જો આટલા પુરાવા અને સાબિતીઓ હોવા છતાં જો તપાસ નહીં થાય તો હું અને મારો પરિવાર ન્યાય માટે ઉપવાસ પર ઉતરશે.

મે મહિનામાં લખ્યા હતા પત્રો

મે મહિનામાં સતત 3 દિવસ ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા પત્રો લખ્યા હતા. કોટડીયાએ સીઆઈડી ક્રાઈમને લખેલા પત્રમાં તેણે લખ્યું છે કે, સવિનય આપ સાહેબને જણાવવાનું કહે, 12 કરોડના બીટકોઈન કૌભાંડમાં ફરિયાદીએ મારા પર લગાવેલા આરોપ બાબતે મારો જવાબ લેવા આપ તરફથી મને જાણ કરવાના સમાચાર મને મીડિયા દ્વારા મળ્યા છે. હું મારા અંગત અને જરૂરી કામ માટે રાજ્ય બહાર હોવાથી અને 11-5-2018ના રોજ પરત ફરતો હોવાથી મને મુદ્દત આપશો.

તે સમયે 24 કલાકની નહીં 4 દિવસની મુદ્દત માંગી હતી

કોટડિયા પત્રમાં લખ્યું હતું કે, હું તારીખ 11 અને 12 મેના રોજ ગાંધીનગર ખાતે આપની કચેરીએ જવાબ આપવા જાતે ઉપસ્થિત રહીશ, કારણ કે આ કેસ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મને જે રકમ મળી છે, તે જમીન વેચાણની મળી છે. આથી મારી સામે ગુનો દાખલ કરતા પહેલા મને સાંભળવો જરૂરી છે. મારે હાજર ન રહેવાનું કોઈ કારણ નથી. આથી નિયમાનુસાર મને ત્રીજું સમન્સ બજે અને 24 કલાક નહીં પરંતુ 4 દિવસની મુદ્દત આપશો. વેકેશનને કારણે ટ્રેન કે બસમાં પણ ટીકીટ મળી શકે તેમ ન હોય અને કામકાજ હોવાથી મને મુદ્દત આપશો. જો હું ન આવું તો નિયમાનુસાર જે કોઈ કાર્યવાહી થતી હોય તે કરી શકો છો.

સીઆઈડી કરી રહી હતી શોધખોળ

બીટકોઈન કેસને લઈને કોટડીયાની શોધખોળ પણ ચાલી રહી હતી. જેને લઈને સીઆઇડી ક્રાઇમે વિવિધ સ્થળોએ દરોડા કર્યા હતા. તેમજ સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદમાં તપાસ આદરી હતી.

નલિન કોટડીયાના જમીન પેટે આપેલા 25 લાખ કબ્જે કરાયા

બીટકોઇન કેસમાં પોતાને નિર્દોષ કહેનાર નલિન કોટડિયાએ રાજકોટમાં ખરીદેલી જમીનના 25 લાખ આંગડિયા મારફતે નાનકુ આહિરને મોકલાવ્યા હતાં. આ રૂપિયા સીઆઇડી ક્રાઇમે રાજકોટમાંથી નાનકુ પાસેથી કબ્જે કર્યા હતા અને આહિરને ડિટેઇન કરી પૂછપરછ કરી હતી. આ કેસમાં રિમાન્ડ પર રહેલા કિરીટ પાલડિયાની તપાસમાં શૈલેષ પાસેથી પડાવેલા બીટકોઇનમાંથી પોલીસ અધિકારીઓ સહિત નલિન કોટડિયાને પણ રૂપિયા ચૂકવાયા હતાં. કોટડિયા પોતાનો મોબાઇલ ફોન ઘરે મૂકી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો .

બીટકોઈન મામલો શું છે?

શૈલેષ ભટ્ટ અને કિરીટ પાલડિયાના મોબાઈલ ફોનમાંથી અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ અને તેમની ટીમે જબરજસ્તીથી રૂ.12 કરોડની કિંમતના 200 બીટ કોઈન ટ્રાન્સફર કરી લીધા હતા. જો કે બીટકોઈનમાં ડીલિંગ કરવું તે ગેરકાયદેસર હોવાથી આ પોલીસ કર્મચારીઓએ તેમની ઉપર કેસ નહીં કરવા માટે રૂ.32 કરોડ રૂપિયા માંગ્યા હતા. પરંતુ સીઆઈડી ક્રાઈમની 1 મહિનાની તપાસમાં ભાંડો ફૂટી ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker