ઇન્ડિયન આર્મીએ લીધો બદલો: કુલગામના હિંદુ શિક્ષકના હત્યારા સહિત ચારનો ખાત્મો

કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન 4 આતંકીઓને ઠાર માર્યા છે. ગુરુવારે કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક 31 મેના રોજ કુલગામમાં શિક્ષક રજની બાલાની હત્યામાં સામેલ હતો.

રજનીને કુલગામ જિલ્લાની ગોપાલપોરો હાઈસ્કૂલમાં પોસ્ટ કરવામાં આવી હતી. શાળાની બહાર તેની હત્યા કરવામાં આવી હતી. સુરક્ષા દળો દ્વારા રજનીની હત્યાના 16 દિવસ બાદ હત્યારાને ઠાર કરવામાં આવ્યો હતો. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં પણ સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા છે.

સુરક્ષા દળોએ બુધવારે શોપિયન જિલ્લાના કાંજીલુર વિસ્તારમાં રાજસ્થાન બેંક મેનેજર વિજયની હત્યાનો બદલો લીધો હતો. જવાનોએ કાશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા અને તેમાંથી એકે કુલગામમાં બેંક ડ્યુટી દરમિયાન વિજયને ગોળી મારી હતી.

ટેરર ફંડિંગને લઇ દરોડા

NIAએ કાશ્મીરના બારામુલ્લા અને હંદવાડામાં ટેરર ​​ફંડિંગને લઈને દરોડા પાડ્યા હતા. બારામુલ્લાના ઓલ્ડ ટાઉનમાં ઝહુર અહેમદ મલ્લા અને ખ્વાજાબાગમાં મેહરાજદીન બટ્ટના ઘરોની તલાશી લેવામાં આવી હતી. હંદવાડામાં એક વેપારીના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. ઇન્કમટેક્સ વિભાગની ટીમે શ્રીનગરમાં બિઝનેસમેન ફિરોઝ અહેમદ શેખ, ખાલિદ શેખ અને ઝહૂર શેખના ઘરોની તપાસ કરી હતી.

Scroll to Top