આજકાલ રાજ્યભરમાં આંખની બીમારીના ઘણા દર્દીઓ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં લગભગ ૨૦૮ જેટલા દર્દીઓમાં કન્જકટીવાઈટિસ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. અમદાવાદના અસારવામાં આવેલ મંજુશ્રીમિલ ખાતે આવેલ આંખની હોસ્પિટલમાં ૧૫૩ દર્દીઓ સારવાર માટે પહોચ્યા હતા. બીજી તરફ, સોલા સિવિલ હોસ્પિટલના નેત્ર વિભાગમાં પણ ૬૦ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ હોસ્પિટલોમાં આ પ્રકારે મોટી સંખ્યામાં કન્જક્ટીવાઈટીસ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. નેત્ર ચિકિત્સકોનું કહેવું છે કે, આ ચેપથી ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. જો કે, દર વર્ષે આ દિવસોમાં આ ચેપના કેસોમાં વધારો થાય છે.
કન્જક્ટીવાઈટીસ વાયરસના લક્ષણો:
આ વાયરસના લક્ષણોમાં આંખ લાલ થઇ જવા સાથે ખંજવાળ, સતત પાણી આવવું અને આંખમાં દુખાવો જોવા મળે છે. તેવા કિસ્સામાં ડોકટર દ્વારા તેની સારવાર કરાવવી જોઈએ. પોતાને અને બીજાને ચેપ ન લાગે તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વાયરસનું સંક્રમણ ના થાય તેના માટે શું કરવું?
સૌથી પહેલા સંક્રમિત વ્યક્તિએ મોં અને હાથને સ્વચ્છ રાખવા જોઈએ. વાયરસના લક્ષણો જોવા મળે તો સૌથી પહેલા નજીકના આંખ રોગ નિષ્ણાત પાસે તેની સારવાર કરાવવી જોઈએ. ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ આંખના ટીપાં નાખતા પહેલા અને પછી હાથને સારી રીતે ધોઈ લેવા જોઈએ. સંક્રમિત વ્યક્તિની વસ્તુઓ જેવી કે રૂમાલ, ટુવાલ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. આંખોની સુરક્ષા માટે ચશ્મા પહેરવા જોઈએ. લોકોએ દર્દીના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ જેથી કરીને અન્ય લોકોને આ ચેપ ન લાગે. આ સિવાય ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ.