આ આપઘાત પાછળના કારણમાં ઓછા વરસાદને કારણે પાંચ વિઘાનો પાક નિષ્ફળ જતા અંતિમ પગલું લીધાનું સામે આવી રહ્યું છે.
સરકાર ખેડૂતો માટે કરોડોની યોજનાઓ અને લાભ આપવાનો દાવો કરી રહી છે. જેની બીજી તરફ ગામડાના ખેડૂતો પાક નિષ્ફળ જતાં આપઘાત જેટલું દર્દનાક પગલું ભરતા પણ ખચકાતા નથી. ગઇકાલે મોડી રાતે ગઢડાના ગુદાળા ગામે ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ગઢડાના ગુદાળા ગામના એક ખેડૂતે ગઇકાલે મોડી રાતે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. આ આપઘાત પાછળના કારણમાં ઓછા વરસાદને કારણે પાંચ વિઘાનો પાક નિષ્ફળ જતા અંતિમ પગલું લીધાનું સામે આવી રહ્યું છે. આ મામલે ગઢડા પોલીસે ગુનો નોંધીને ફરિયાદ હાથ ધરી છે.
હાલ પોલીસ તેમના પરિવાર અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.
ખેડૂત આપઘાતમાં ગુજરાત ચોથા ક્રમે
તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ, પાક નિષ્ફળ જવાથી કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. 2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
સપ્તાહમાં ત્રણ આપઘાત
રાજ્યમાં જાણે ધરતીપુત્રોની માઠી બેઠી હોય એકતો વરસાદ ઓછો પડ્યો છે, તો બીજી બાજુ સરકાર તરફથી પણ કોઇ મદદ ન મળતાં ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે. સુરેન્દ્રનગરના વેજલકા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે ભાવનગરના સિહોર જઇને આપઘાત કરી લીધો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજા ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા રાજ્યમાં ચર્ચા જાગી છે.
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનાં વેજલકા ગામના ખેડૂતે રવિવારે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પ્રાથમિક તારણમાં કહેવામાં આવી રહ્યું છે કે ઝરમરિયા શંકરભાઇ મનજીભાઇ નામના ખેડૂતે ખેડૂતે ભાવનગરના સિહોરમાં સંબંધીના ખેતરમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પાછળ પાક નિષ્ફળ જવાની ભીતિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એક તરફ ઓછા વરસાદ તો બીજી બાજુ સરકારની ઉપેક્ષાને કારણે રાજ્યના ધરતીપૂત્રો હાલત દયનીય બની છે. થોડા સમય પહેલા જ અમરેલીના ધારી તાલુકના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરે એક ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસ ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. તો અન્ય એક ઘટનામાં દ્વારાકાના બેહ ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે દ્વારકાના બેહ ગામના ખેડૂતને ડર હતો કે તેમનો પાક નિષ્ફળ જવાનો છે. આ ડરથી જ ખેડૂતે ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવી દીધું છે.