GujaratNews

સરકાર ખેડૂત માટે કંઇ કરતી નથી લખી કુતિયાણાના ખેડૂતે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

પોરબંદરના કુતિયાણા ગામે સાંઢીયા શેરીમાં રહેતા વિરમભાઈ મસરીભાઈ ઓડેદરા નામના ખેડૂતને રાણાવાવ તાલુકાના મહીરા ગામે પોણા છ વીઘા ખેતર છે. છેલ્લા 3 વર્ષથી પોતાના ખેતરમાં અથાગ મહેનત કરવા છતાં ઉત્પાદન જ થતું નથી. મોંઘુ ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ પાછળ હજારો રૂપીયા ખર્ચ કરી પોતાના ખેતરમાં પાકનું વાવેતર કરી રહ્યા હોવા છતાં પાક ઉત્પાદન નિષ્ફળ જતું હોવાથી આ ખેડૂતને ધરતી નીચે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પાક ઉત્પાદન નિષ્ફળ ગયું હોવાથી 4 લાખ રૂપીયા જેટલું દેણું થઈ ગયું હતું. ખેડૂત દેણામાં ભેરાઈ ગયા હોવાથી તેઓને દેણું ચૂકવવા માટે પોતાની આજીવિકા વેચવાની નોબત આવી હતી. આમ, ખેડૂત દેણાંની ભરપાઈ ન કરી શકે તેવી પરીસ્થિતિ સર્જાતા વિરમભાઈને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. તેણે લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, સરકાર ખેડૂત માટે કંઇ કરતી નથી.

ખેડૂતએ બનાવેલા વિડીયો પોલીસે કબ્જે કર્યો

સુસાઈડ નોટમાં વિરમ મસરી ઓડેદરા નામના ખેડૂતે એવું જણાવ્યું હતું કે મારા મોબાઈલમાં વિડીયો બનાવેલ છે તે જાણજો. પરંતુ તેમણે પોતાની આપવિતી અને વેદના વર્ણવતો મોબાઈલમાં બનાવેલ વેદનાજનક વિડીયો હાલ પોલીસે કબ્જે કર્યો છે. તેઓએ આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટમાં એવું લખ્યું હતું કે મારા મૃત્યુનો પી.એમ. રીપોર્ટ ખેતીવાડી અધિકારીને આપજો.

શું લખ્યું છે સુસાઇડ નોટમાં

ખેડૂતે સુસાઇડમાં લખ્યું છે કે, મારે એક જ તકલીફ છે મારી માથે બેંકનું 1 લાખનું દેણું છે અને તેનું વ્યાજ ચાલુ છે. બીજા ત્રણ લાખ સગાસંબંધીના છે. ખેતરમાં કોઇ આવક થાય તેમ નથી. સરકાર ખેડૂત માટે કંઇ કરતી નથી એના માટે આ પગલું ભરૂ છું. મારો દીકરો રામ અને સીતા જેવા છે. મારી ઘરવાળી મારા ભાઇઓ મારા મા-બાપ સમાન છે.મારા મોબાઇલમાં વીડિયો બનાવેલો છે તે જોઇ લેશો. સૌને જય સીયારામ, મારૂ પોસ્ટમોર્ટમ કરાવજો અને ખેતીવાડીના અધિકારીને જાણ કરજો.

સપ્તાહમાં ત્રણ આપઘાત

રાજ્યમાં જાણે ધરતીપુત્રોની માઠી બેઠી હોય એકતો વરસાદ ઓછો પડ્યો છે, તો બીજી બાજુ સરકાર તરફથી પણ કોઇ મદદ ન મળતાં ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે. સુરેન્દ્રનગરના વેજલકા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે ભાવનગરના સિહોર જઇને આપઘાત કરી લીધો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજા ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા રાજ્યમાં ચર્ચા જાગી છે.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનાં વેજલકા ગામના ખેડૂતે રવિવારે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પ્રાથમિક તારણમાં કહેવામાં આવી રહ્યું છે કે ઝરમરિયા શંકરભાઇ મનજીભાઇ નામના ખેડૂતે ખેડૂતે ભાવનગરના સિહોરમાં સંબંધીના ખેતરમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પાછળ પાક નિષ્ફળ જવાની ભીતિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એક તરફ ઓછા વરસાદ તો બીજી બાજુ સરકારની ઉપેક્ષાને કારણે રાજ્યના ધરતીપૂત્રો હાલત દયનીય બની છે. થોડા સમય પહેલા જ અમરેલીના ધારી તાલુકના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરે એક ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસ ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. તો અન્ય એક ઘટનામાં દ્વારાકાના બેહ ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે દ્વારકાના બેહ ગામના ખેડૂતને ડર હતો કે તેમનો પાક નિષ્ફળ જવાનો છે. આ ડરથી જ ખેડૂતે ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવી દીધું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker