ખેડૂતોનું આંદોલન (કિસાન ક્રાંતિ યાત્રા) ભલે સમાપ્ત થયુ હોય અને દરેક ખેડૂત પોતપોતાના ઘરે જતા રહ્યાં હોય. પરંતુ બે ઓક્ટોબરે દિલ્હી-યુપી બોર્ડર પર જે કઈ થયું, તેનાથી ભાજપની મુશ્કેલી વધી છે. આંદોલન કરવા દિલ્હી પહોંચેલા મોટાભાગના ધરતીપુત્રો પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાંથી આવ્યા હતાં. જેમાંથી મોટાભાગના જાટ હતાં. જેનો ઝુકાવ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફ હતો, પરંતુ યુપીની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારે જે રીતે તેમની સાથે વ્યવહાર કર્યો તેનાથી તેઓ નારાજ થયા છે. એવી આશંકા છે કે આ ખેડૂતો 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે અંતર રાખી શકે છે.
જો આવુ થયુ તો ભાજપે તેનું ગંભીર પરિણામ ભોગવવુ પડશે. કારણકે પશ્ચિમ યુપીના લગભગ બે ડઝન લોકસભા સાંસદ પસંદ થઈને આવે છે. અત્યારે આ બધી બેઠકો પર ભાજપનો કબજો છે. ઉલ્લેખનીય છે કે જાટોનો ઝુકાવ પારંપરિક રીતે અજિત સિંહની રાષ્ટ્રીય લોક દળ સાથે છે, પરંતુ 2014માં જાટોએ ખોબલા ભરીને ભાજપને મત આપ્યા હતાં. રાજ્યમાં નવા રાજકીય સમીકરણ અન નવા ગઠબંધન બાદ થયેલ સામાન્ય ચૂંટણીથી ચિત્ર સ્પષ્ટ કર્યુ છે કે હવે જાટ સમુદાયનો ભાજપ સાથે મોહભંગ થઈ ગયો છે અને તેઓ મહાગઠબંધન સાથે છે. અહીં જણાવવાનું કે કેરાના પેટા ચૂંટણીમાં મહાગઠબંધનના ઉમેદવાર રાલોદના તબસ્સુમ હસન જીત્યા હતા. આ ચૂંટણીમાં જાટ સમુદાયે ભાજપને છોડી મહાગઠબંધનને વોટ આપ્યો હતો.
જાટ સિવાય આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની પણ વધારે પ્રમાણમાં જનસંખ્યા છે. ગઠબંધન સંદર્ભે જાટ અને મુસ્લિમ સમુદાય ભાજપથી દૂર રહીં શકે છે. જોકે, આવી રાજકીય સ્થિતિ બનતા નરેન્દ્ર મોદી સરકારના કેટલાંક પ્રધાનોએ પોતાની બેઠક પણ ગુમાવવી પડશે. સૌથી વધુ સંકટ બાગપતના સાંસદ અને મોદી સરકારમાં પ્રધાન સત્યપાલ સિંહ પર તોળાઈ રહ્યો છે. 2014ની ચૂંટણીમાં તેમણે 4 લાખ 23 હજાર 475 વોટ મળ્યા હતાં, જ્યારે સપાના ગુલામ મોહમ્મદને 2 લાખ 13 હજાર 609 વોટ અને રાલોદના અજિત સિંહને 1 લાખ 99 હજાર 516 વોટ મળ્યા હતાં. બસપાના પ્રશાન્ત ચૌધરીએ પણ 1 લાખ 41 હજાર 743 વોટ પ્રાપ્ત કર્યા હતાં. એટલે ગઠબંધન વખતે ભાજપ વિરુદ્ધ જાટ મતનું ધ્રુવીકરણ સિવાય મુસ્લિમ, દલિત અને અન્ય પછાત વર્ગોનું વલણ બદલાઈ શકે છે. એવામાં ફક્ત 2014ની પેટર્ન મુજબ વાત કરીએ તો વિપક્ષી મહાગઠબંધનને 5 લાખ 55 હજારથી વધુ વોટ મળી શકે છે.
પશ્ચિમ યુપી હેઠળ જે સંસદીય બેઠકો આવે છે, તેમાં બાગપત સિવાય કેરાના, મુઝફ્ફરનગર, સહારનપુર, નગીના, મુરાદાબાદ, રામપુર, બિજનૌર, સંભલ, અમરોહા, મેરઠ, ગાજિયાબાદ, ગૌત્તમબુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ, હાથરસ, મથુરા, આગ્રા, ફતેહપુરસિકરી વગેરે સામેલ છે. ઉલ્લેખનીય છે કે, દેવા માફી, સિંચાઈ માટે મફત વિજળી, એમએસપીમાં વધારો થાય તેવી 15 માંગના સમર્થનમાં ખેડૂતોએ 12 દિવસ પહેલા હરિદ્ધારથી ખેડૂત ઘાટ સુધી પદયાત્રા કરી હતી, પરંતુ સરકારે ધરતીપુત્રોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવ્યા હતાં. યુપી બોર્ડર પર મંગળવારે ખેડૂતો અને જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું.
અન્નદાતા પર દંડા, ટિયરગેસ: ગાંધી જયંતીએ સરકારનો અહિંસા દિવસ
દેવામાફી, પેન્શન અને ઉપજના યોગ્ય ભાવ સહિત અન્ય માગો અંગે પગપાળા દિલ્હી પહોંચેલા ખેડૂતોને પોલીસે સરહદ પર જ અટકાવી દીધા. ‘કિસાનક્રાંતિ યાત્રા’માં જોડાયેલા અંદાજે 30 હજાર ખેડૂતોએ મંગળવારે ટ્રેક્ટરો અને અન્ય વાહનો સાથે દિલ્હીની સરહદમાં બેરિકેડ હટાવી ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યાર બાદ પોલીસે તેમના પર પાણીનો મારો કરવાની સાથે લાઠીચાર્જ કર્યો. ટિયરગેસ પણ છોડ્યા અને હવામાં ગોળીબાર પણ કર્યો. આ દરમિયાન 7 પોલીસ કર્મચારી અને 36 જેટલા ખેડૂતોને ઇજા થઈ હતી. ગાઝિયાબાદમાં બુધવારે સ્કૂલ-કોલેજ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
30 હજાર ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતાં અટકાવ્યા
ગાઝિયાબાદ-દિલ્હી સરહદ પર પોલીસે પહેલાથી જ બેરિકેડ લગાવી દીધા હતા. જગ્યા-જગ્યાએ કલમ 144 લગાવાઈ હતી. ઈજાગ્રસ્ત ખેડૂતોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોંગ્રેસ સહિત વિપક્ષે ગાંધી જયંતી પર ખેડૂતો વિરુદ્ધ પોલીસની બર્બર કાર્યવાહી કરાવવાનો કેન્દ્ર પર આરોપ મૂક્યો.અગાઉ પૂર્વીય દિલ્હીમાં દિલ્હી પોલીસના પૂર્વી રેન્જના જોઈન્ટ સીપીએ લાઉડસ્પીકર પરથી માહિતી આપી કે 8,000 ખેડૂત યુપી ગેટ તરફ વધી રહ્યા છે.
દિલ્હી સાથે યુપીના ગાઝિયાબાદ અને નોઈડામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો ખડકી દેવાયા હતા. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને કૃષિ રાજ્યમંત્રી જી. એસ. શેખાવતે ખેડૂત પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. તેમાં યુપીના મંત્રી લક્ષ્મી નારાયણ અને સુરેશ રાણા પર હાજર હતા.
ઉત્તરપ્રદેશથી દિલ્હી જતા મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો
ખેડૂતોના દેખાવો ખતમ કરવા સરકારે જાહેરાત કરી કે મુખ્યમંત્રીઓની સમિતિ તેમની માગણીઓ ધ્યાનમાં લેશે. પરંતુ ખેડૂતોએ કહ્યું તેઓ માત્ર આશ્વાસનથી સંતુષ્ટ નથી. અગાઉ સોમવારે રાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી પ્રવાસ કેન્સલ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં.
ભારતીય ખેડૂત યુનિયનના બેનર હેઠળ ખેડૂતોએ 21 મુદ્દાઓની માગણી સરકાર પાસે મનાવવા માટે હરિદ્વારના ટિકેત ઘાટથી 23 સપ્ટેમ્બરે કિસાન-ક્રાંતિ યાત્રા શરૂ કરી હતી. તેમાં યુપીના વિવિધ ભાગોમાંથી ખેડૂતો જોડાતા ગયા. આ લોકો પગપાળા, બસોમાં અથવા ટ્રેક્ટર ટ્રોલીઓમાં સવાર થઈ મંગળવારની સવારે રાજધાની દિલ્હીની સરહદે પહોંચ્યા. આથી ઉત્તરપ્રદેશથી દિલ્હી જતા મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો.