રાજ્યમાં ખેડૂતોનો રોષ ચરમસીમાએ, રસ્તા પર લસણ ફેંકી કર્યો વિરોધ

રાજ્યમાં વરસાદ ઓછો થતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. પાણીની અછત સર્જાઇ છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની માંગ ન સ્વીકારતા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય નહીં લેવાતાં રાજ્યભરમાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડૂતોનું કહેવુ છેકે,ઓછા વરસાદને લીધે ખેતી કરવા પાણી નથી.સરકાર કેનાલોમાં પાણી છોડતી નથી. અપુરતી વિજળી મળી રહી છે. ખાતર,બિયારણ,જંતુનાશક દવાઓ મોંઘી બની છે જેથી ખેતી કરવી મુશ્કેલ બની છે. નફો તો ઠીક,ઉત્પાદન ખર્ચ પણ મળે તેટલો પાકનો ભાવ મળતો નથી. આટલી વિકટ પરિસ્થિતી હોવા છતાંય સરકાર ખેડૂતોના પ્રશ્નો હલ કરવામાં રસ દાખવતી નથી.

મોરબીમાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ખેડૂતોએ લસણ,ડુંગળી ફેક્યાં હતાં. આ લસણને રસ્તા પર ફેંકી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. સરકાર પાસે પોષણષમ ભાવની માંગ કરી હતી. આ પહેલા પણ ખેડૂતો-માલધારીઓએ સરકારની નનામી પણ કાઢી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડૂતોની દેવામાફીની માંગ સાથે આજે જીલ્લાના ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લાના તમામ ખેડૂતોએ કોંગી ધારાસભ્ચોની આગેવાનીમાં રેલી કાઢી હતી. પાક વિમો અને પાણીની માંગ સાથે કલેકટર કચેરીઓ મોટી સંખ્યામાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો.

રાજકોટના પડધરી ખાતે પાણીની પાઈપલાઈન સહિતની માગો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર પાસે તેમની માંગને રજૂ કરી હતી. તો બીજી તરફ જેતપુરના ખેડૂતોએ પણ નવતર વિરોધ કર્યો હતો જેમા તમામ ખેડૂતો દોરડા બાંધી કચેરીએ પહોંચ્યા હતા . જ્યા વિવિધ માગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ જામનગરના કાલાવડ તાલુકાના ખરેડી ગામે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. કાલાવડ તાલુકાના 10 ગામનો લોકો એકઠા થઇ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી. તાલુકાના તમામ ખેડૂતોએ રેલી કાઢી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજ્યના ખેડૂતો પર સરકારનો વધુ એક બોજો વધ્યો છે. આજથી રાસાયણિક ખાતર ( DAP, ASP) ખાતરમાં ફરી એક વાર વધારો કરાતા ખેડૂતો ઉગ્ર આદોલન કરે તેવી શક્યતા વર્તાઇ રહી છે. પંદર દિવસમાં આ બીજી વખત ભાવ વધારો કરતા ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યુ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top