સોનીપતના એક ખેડૂતના 22 વર્ષીય પુત્રને એમેઝોન દ્વારા વાર્ષિક 67 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. તેમની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેણે ટ્યુશન આપીને પોતાની બીટેકની ફી ચુકવણી કરી હતી.
સોનીપતના દીનબંધુ છોટુ રામ યુનિર્સિટી ઓફ સાયન્સ અને ટેક્નોલોજીના અવનિશ છિકારાના પિતા ક્રાવેરી ગામના ખેડૂત અને ડ્રાઈવર તરીકે નોકરી કરી ઘર ચલાવી રહ્યા છે. તેમ છતાં તેમના દ્વારા કરવામાં આવેલ મહેનત અંતે લેખે લાગી ગઈ છે કેમકે તેમના પુત્રને આટલી મોટી સફળતા મળી ગઈ છે.
જ્યારે મીડિયા સામે વાતચીત કરતા અવનિશે તેના અને તેના પરિવારે કરેલા સંઘર્ષની વાત કહી હતી. તેણે જણાવ્યું હતું કે, ઘણી વાર એવો પણ સમય આવ્યો કે મારી પાસે યુનિવર્સિટીની ફી ભરવાના રૂપિયા પણ નહોતા, તેમ છતાં હું ગમે તેમ કરીને ફી ભરી નાખતો હતો. તેના માટે હું ટ્યુશન આપતો હતો.
અવનિશે આ સિવાય કહ્યું છે કે, તે પોતાના એન્જીનિયરિંગ ક્લાસ પૂર્ણ કર્યા બાદ દરરોજ 10 કલાક સુધી અભ્યાસ કરતો હતો. તેણે કોરોના કાળ દરમિયાન એમેઝોનમાં ઈન્ટર્નશિપ માટે પણ અરજી કરી હતી. ત્યાં 2.40 લાખ રૂપિયા પ્રતિ મહિને અપાતા હતા. તેણે એ પણ જણાવ્યું કે ઈન્ટર્નશિપ પૂર્ણ કર્યા બાદ અમેરિકાની આ જાયન્ટ કંપનીએ તેને 67 લાખ રૂપિયા પ્રતિ વર્ષના પેકેજની ઓફર પણ કરી હતી. તે એક વર્ષ બાદ 1 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે તેવી શક્યતા છે.
યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર પ્રોફેસર અનાયથે અવનિશને તેની સિદ્ધિ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેની સાથે જણાવ્યું હતું કે, આર્થિક તંગી ધરાવતા પરિવારમાંથી આવતા વિદ્યાર્થીએ આટલી મોટી સિદ્ધિ મેળવવી તેનો તેમને ગર્વ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, અન્ય વિદ્યાર્થીઓ પણ તેના સંઘર્ષ અને પ્રતિબદ્ધતામાંથી પ્રેરણા પ્રાપ્ત કરે.