આણંદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચાલુ કારમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે કાર ચાલક સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. જ્યારે અન્ય એક સવારને બચાવી લેવામાં આવ્યો હતો.
રવિવારના દિવસ અમદાવાદ-વડોદરા હાઈવે પર બેડવા એક કમનસીબ ઘટના બની. જેમાં એક લક્ઝુરિયસ SUVમાં ચાલુ કારે આગ લાગવાથી કાર બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનામાં કાર ચાલક વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. જ્યારે કાર સવારના પુત્રનો બચાવ થયો હતો.
કારમાં આગ કઈ રીતે લાગી તે વિશે જાણી શકાયું નથી. પરંતુ આગ લાગવાની જાણ થતા જ સ્થળ પર ફાયરની ગાડી આવી ગઈ હતી અને પાણીનો મારો કર્યો હતો. આગના કારણે રસ્તા પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે બરોડા એક્સપ્રેસ વે અકસ્માત ઝોન બની ગયો છે. આ પહેલા પણ અહીં ઘણા ગમખ્વાર અકસ્માતો બની ચૂક્યો છે. આ રસ્તા પર વહેલી સવારે અકસ્માતોની થવાની ઘટના વધારે બનતી હોય છે. 100 કિમી પ્રતિ કલાક કરતા પણ વધારે સ્પીડથી દોડતા વાહનો એ કારણે પણ અકસ્માતનો ભોગ બન્યા છે કે વાહન ચાલકને રોડની સાઈડમાં ઊભેલા વાહનો દેખાયા ન હોય. આ માર્ગ પર વધી રહેલા અકસ્માતોને જોતા વાહન ચાલકોની સલામતી માટે ટ્રાફિક પોલીસે કોઈ નક્કર ઉપાય વિચારવો જ રહ્યો.