ફ્લિપકાર્ટે વેચ્યો હલકી ગુણવત્તાનો સામાન, હવે ગ્રાહકોને પૈસા પાછા આપવા પડશે

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર ચુકાદો આપ્યો છે. આમાં ઓથોરિટીએ ફ્લિપકાર્ટ પર એક લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ ફ્લિપકાર્ટ પર હલકી ગુણવત્તાવાળા (ગુણવત્તાના ધોરણોને પૂર્ણ ન કરતા) ઘરેલું પ્રેશર કૂકર વેચવા બદલ લાદવામાં આવ્યો છે. સીસીપીએ અનુસાર, ફ્લિપકાર્ટે તેના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આવા પ્રેશર કૂકરનું વેચાણ કરીને કુલ રૂ. 1,84,263ની કમાણી કરી છે.

ગ્રાહકોના પૈસા પરત કરવાના રહેશે

સીસીપીએ ચીફ કમિશનર નિધિ ખરેએ જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટને તેના પ્લેટફોર્મ પર સબસ્ટાન્ડર્ડ પ્રેશર કૂકર વેચવા અને ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીઓ દ્વારા વેચવામાં આવેલા 598 પ્રેશર કુકરને પરત મંગાવવા અને ગ્રાહકોને પૈસા પરત કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય કંપનીને 45 દિવસમાં કમ્પ્લાયન્સ રિપોર્ટ જમા કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ખરાબ પ્રેશર કૂકર વેચવા બદલ પહેલાથી જ દંડ વસૂલવામાં આવ્યો છે

આ મહિનાની શરૂઆતમાં ઈ-કોમર્સ કંપની એમેઝોનને પણ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ ન કરતા પ્રેશર કુકરના વેચાણ બદલ રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ વર્ષે માર્ચમાં, સીસીપીએ એ નિર્ધારિત ધોરણોની અવગણના કરીને પ્રેશર કૂકર વેચવા બદલ ઇ-કોમર્સ કંપની પેટીએમ મોલ અને સ્નેપડીલ પર 1-1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. કંપનીઓ દ્વારા વેચવામાં આવેલા આ પ્રેશર કુકરને પરત બોલાવવા અને ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવેલી રકમ પરત કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

ધારાધોરણ મુજબ કૂકર બનાવવું જરૂરી છે

સરકારે પ્રેશર કૂકર માટે ગુણવત્તા નિયંત્રણ આદેશ (ક્યુસીઓ) જારી કર્યો છે અને ગ્રાહકોને ઈજા અને નુકસાનના જોખમને ટાળવા માટે માનક ચિહ્નનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ઘરેલું પ્રેશર કૂકર આઈએસ 2347:2017 સ્ટાન્ડર્ડ મુજબ બનાવવું જરૂરી છે.

Scroll to Top