રાજ્યમાં હાલમાં જ મોટા ભાગના જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. અને આ વાવાઝોડા સાથે અતિભારે વરસાદ (rainfall forecast) પણ પડ્યો હતો. જેના કારણે રાજ્યના ખેડૂતોને નુકસાન ભોગવાનો વાળો આવ્યો છે. હાલમાં જ તાઉ તે વાવાઝોડાએ સમગ્ર રાજ્યને ઘમરોળ્યા બાદ હવે કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં દસ્તક દીધી છે. ત્યારે આજે સૌરાષ્ટ્રમાં ઝાપટા સાથે વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસી જશે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું પણ પૂર્વાનુમાન કર્યું છે. અને આ વખતે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.
રાજ્યમાં 15 થી 20 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે. જે સાપુતારાનાં પાનધ્રો, વર્માનગર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જો કે વરસાદના એક દિવસ બાદ ફરીથી બધા જ વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે તેવું અનુમાન છે.
હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીનાં કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ બાદ આજે બપોર પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા કરા અને તોફાની પવન સાથે છૂટાછવાયા સ્થળોએ ઝાંપટાથી લઇ દોઢ ઇંચ સુધીનો વરસાદ પડયો હતો.
અમરેલી પંથકમા સવારથી તાપ અને બફારો અનુભવાતો હતો પરંતુ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલીનાં કુંકાવાવ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જો કે આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જે અમરેલીનાં કુંકાવાવ, અમરાપુર, નાની કુકવાવ, ઉજલા સહિતના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો.
નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે, હજારો કરોડનું નુકસાન થયું છે જેમાં વીજ વિભાગને સૌથી વધારે નુકસાન થયું છે. હાલમાં ઉનાળુ પાક તલ, બાજરી, મગ, અડદ અને મગફળી તૈયાર થવાના આરે છે. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદથી આ પાકને નુકસાન પહોંચ્યું છે. જો કે હાલમાં તૌકતે વાવાઝોડાને પગલે ખેતીને તો નુકસાન થયું જ છે. તેવામાં આજે રાજકોટ અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલાં વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. અને પડ્યા પર પાટું પડ્યું હોય તેમ એક બાદ એક ખેડૂતોના માથે આસમાની આફત વરસતી રહે છે. અને ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.