રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. આ ટીમે લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે. જેમાં 950 કિલો બટેટાની આડમાં લાવવામાં આવી રહેલો દારૂ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. મોનિટરીંગ સેલ તરફથી 9.43 લાખનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલાની તપાસ એરપોર્ટ પોલીસને સોંપી દેવાઈ છે.
તાજેતરની જાણકારી અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુચીયાદડ પાસેની હોટલ નજીકથી એક બોલેરો પીકઅપ વાનમાંથી 5,837 દારૂની બોટલ ઝડપી પડાઈ છે. દારૂની હેરાફેરી સહેલાઇથી થઇ શકે તેમજ પોલીસથી બચી શકાય તે માટે ચાલક દ્વારા બટેટાની આડમાં દારૂ ભરીને લાવવામાં આવતો હતો.
સમગ્ર મુદ્દે સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ. એસ. આર. શર્મા અને તેમની ટીમને જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, રાજકોટના કુચીયાદળ પાસે આવેલી ઇન્ડિયા હોટલ પેલેસ ખાતે દારૂ ભરેલી બોલેરો પીકઅપ વાન ઉભેલી છે.
જે બોલેરો ગાડીમાં જંગલેશ્વરના આરીફ ઉસ્માન નામના બુટલેગરનો દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. જાણકારીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો અને બોલેરોમાંથી 950 કિલો બટેટાની આડમાં છૂપાવેલી દારૂની 5,837 બોટલ ઝડપી પાડવામાં આવી હતી. સમગ્ર મુદ્દે જે બુટલેગરનું નામ ખુલ્યું છે તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
સમગ્ર મુદ્દે એરપોર્ટ પોલીસ દ્વારા જંગલેશ્વરમાં રહેનાર તેમની જાણકારી આપનાર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમજ પોતે સ્ટાફે પણ જંગલેશ્વરમાં જઈને તપાસ કરી હતી પરંતુ જંગલેશ્વરમાં આરીફ નામનો કોઈ બુટલેગર રહેતો હોવાનું સામે આવ્યું નથી. આથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ વાહનના માલિકને શોધી ત્યાંથી તપાસ આગળ શરૂ કરવામાં આવી છે.