Omicron નો ભય: વિદેશથી આવનાર મુસાફરોને 1 ડીસેમ્બરથી સરકારની આ નવી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, જાણો શું છે…..

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના ભયને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન્સ મુજબ, ભારત આવનારા પ્રવાસીઓને છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે જાણકારી આપવી પડશે. આ સિવાય, એવું પણ કહેવામાં આવેલ છે કે, મુસાફરી અગાઉ મુસાફરોએ તેમના નેગેટિવ RT-PCR રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવામાં પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા 12 દેશોની યાદી પણ બહાર પાડવામાં આવી છે જેને ભય ધરાવતા દેશોની શ્રેણીમાં મૂકવામાં આવેલ છે, જ્યાંથી ભારત આવતા પ્રવાસીઓ માટે વધારાના પગલા લેવાયા છે. તેમા યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલ સહિત યુરોપિયન યુનિયનના તમામ દેશોને સામેલ કરવામાં આવ્યા છે. આ દેશોમાંથી ભારત આવનારાઓએ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને એરપોર્ટ પર જ રિપોર્ટ માટે રાહ જોવી પડશે.

જ્યારે રિપોર્ટ દરમિયાન મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે તો પણ તેમને આગામી સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ સિવાય આઠમા દિવસે ફરીથી તેમને કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને જો નેગેટિવ રિપોર્ટ આવશે તો આગામી સાત દિવસ સુધી તેમને સેલ્ફ મોનિટરિંગ તરીકે રહેવું પડશે.

ગાઇડલાઇન મુજબ, ભય ધરાવતા દેશોની શ્રેણીની બહારના દેશોમાંથી ભારત આવતા મુસાફરોને એરપોર્ટ છોડવાની મંજૂરી અપાશે. તેમને આગામી 14 દિવસ સુધી સ્વ-નિરીક્ષણ કરવું પડશે. માર્ગદર્શિકામાં કહેવામાં આવેલ છે કે, ભારતમાં કોઈપણ ફ્લાઇટમાં હાજર કુલ મુસાફરોમાંથી 5 ટકા મુસાફરોના આગમન પર રેન્ડમ કોરોના ટેસ્ટ કરાશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સામે આવ્યા બાદ તમામ દેશો હેરાન છે. આ વેરિઅન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચિંતાની શ્રેણીમાં મુકવામાં આવેલ છે એટલે કે તેનાથી સાવચેત રહેવાની જરૂરીયાત છે. આ વેરિએન્ટના ભયને જોતા ભારત સરકાર દ્વારા અત્યાર સુધી અનેક બેઠકો યોજવામાં આવી છે.

Scroll to Top