ઉદેપુર હત્યા મામલે ઇરફાન પઠાણને એક ટ્વીટ ભારે પડ્યુ, લોકોએ બરાબરનો ખખડાવ્યો

રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે એક દરજી કન્હૈયાલાલની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, જે બાદ લોકોમાં આક્રોશનો માહોલ છે. હત્યા બાદ રાજસ્થાન સરકારે કડક કાર્યવાહી કરી અને રાજ્યમાં કલમ 144 લગાવી દીધી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણે ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી છે, પરંતુ તેમ છતાં ચાહકો ગુસ્સે થઈ ગયા છે.

ઈરફાન પઠાણે ટ્વિટમાં શું કહ્યું?

ઉદયપુરમાં દરજીની હત્યા અંગે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે ટ્વિટર પર લખ્યું, ‘તમે કયા ધર્મનું પાલન કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. એક નિર્દોષ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો અર્થ એ છે કે તમે સમગ્ર માનવતાને નુકસાન પહોંચાડી રહ્યા છો.

ઈરફાનના આ ટ્વિટ પર ચાહકો ગુસ્સે છે

ઈરફાન પઠાણે પોતાના ટ્વીટમાં કોઈ ધર્મનું નામ નથી લીધું અને આ કારણે ચાહકો ગુસ્સે થઈ ગયા છે. ચાહકોએ ઈરફાન પઠાણને ધર્મનું નામ લેવાની સલાહ આપી હતી.

હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ

રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસના બંને આરોપીઓની રાજસમંદમાંથી ધરપકડ કરવામાં આવી છે અને બંનેએ હત્યાની જવાબદારી લીધી છે. હત્યા બાદ વિસ્તારમાં તણાવને જોતા સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે ઉદયપુરના ઘણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિતિને જોતા કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

ઉદયપુરમાં હત્યા મામલે ગૃહ મંત્રાલય કાર્યવાહીમાં

ઉદયપુરની આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ એક્શનમાં છે અને તપાસ NIAને સોંપવામાં આવી છે. આ માટે 5 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આ કેસની તપાસ હાથ ધરવા આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલામાં કોઈપણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શન હશે તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

Scroll to Top