અમિત શાહના પીએ હોવાનું કહી ઠગાઈ કરનાર ગેંગ ઝડપાઈ, નાના સ્તરના નેતાઓને આ રીતે ફસાવતી હતી, કરતી હતી લાખોની ઠગાઈ

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિચિત્ર પણે ફ્રોડ કરવામાં આવી રહ્યું હતું. ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રીના નામ પર ફ્રોડ કરનારી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આ ગેંગ અમિત શાહના પીએ હોવાની જણાવી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અપાવવાની વાત કરીને લાખો રૂપિયાની ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા શમીમ અહમદ ખાન, હિમાંશુ સિંહ, હસનૈન અલી અને જાને આલમ નામના ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો દ્વારા પોતાને અમિત શાહના પીએ બતાવી રીતા સિંહ નામની મહિલા પાસેથી 1 કરોડ રૂપિયાની ટોકન મની લેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ મુદ્દે રીતા સિંહ દ્વારા એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ ગેંગને ઝડપી પાડવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ દ્વારા પૂછપરછમાં કહેવામાં આવ્યું છે કે, નાના સ્તરના નેતાઓને તેઓ મોટા-મોટા નેતાના નામે તેમજ તેમના પીએ બનીને વિધાનસભા, વિધાન પરિષદ અને મંત્રી બનાવવાની વાત કહીને ફ્રોડ કરતા હતા. તેઓ વ્હોટસએપ કોલથી વાત કરતા હતા જેથી સામેવાળી વ્યક્તિને તેમની વાત પર વિશ્વાસ આવી જાય. ત્યાર બાદ તેઓ ટોકન મની લઈને ગુમ થઈ જતા હતા.

જ્યારે આગામી 2022 ની વિધાનસભા ચૂંટણી માટે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી ચીફ શિવપાલ યાદવના નામથી આ વ્યક્તિઓ દ્વારા 4 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ગેંગના બે ફરાર વ્યક્તિઓ શાહિદ અને બબલુ ઉર્ફે વિજયની શોધખોળ શરુ કરવામાં આવી છે.

Scroll to Top