
ફરિદાબાદઃ એક સાથે ચાર ભાઈ-બહેનોનાં ફાંસી લગાવેલી હાલતમાં મળી આવેલા મૃતદેહ મામલે પોલીસને શનિવારે એક સુસાઇડ નોટ મળી છે. આ સુસાઇડ નોટમાં 18મી ઓક્ટોબરની તારીખ લખવામાં આવી છે. તેમજ તેમાં તમામ મૃતક ભાઈ-બહેનોની સહી છે. સુસાઇડ નોટમાં તેમના મોત બાદ શું કરવું તેની સૂચનાઓ લખવામાં આવી છે. એક પાનાની સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું કે પરિવાર ડિપ્રેશનમાં હતો તેમજ તે કેવી આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો.
સુસાઇડ નોટમાં ચારયે ભાઈ-બહેને પોતાના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા તેમજ તેમના મોત બાદ તેમની વસ્તુઓ કોને સોંપવી તેની માહિતી પણ લખી છે. પોલીસે જણાવ્યું હતું કે સુસાઇડ નોટના અભ્યાસ બાદ માલુમ પડ્યું છે કે ફક્ત આર્થિક સ્થિતિ ખરાબ હતી એટલું જ નહીં પરંતુ છ મહિનાની અંદર જ માતાપિતા અને સૌથી નાના ભાઈને ગુમાવ્યા બાદ બાકી બચેલા ચારેય બાળકો ખૂબ તણાવમાં જીવી રહ્યા હતા.
“અમે ચારેય અમારું જીવન ટૂંકાવ રહ્યા છીએ…કારણ કે માતાપિતા અને સૌથી નાના ભાઈ સંજુના મોત બાદ તેમના વગર અમે જીવી શખીએ તેમ નથી.”
“અમારી માતાએ હોટલ રાજહંસ પાસેથી રૂ. 1 લાખ લેવાના હતા, જે અમને સમયસર મળ્યાં નથી. સંજુ અને માતાના નિધન બાદ હોટલે અમને રૂ. 60 હજાર આપ્યા હતા. ઓક્ટોબર 11ના રોજ હોટલ તરફથી વધુ 10 હજારની ચુકવણી કરવામાં આવી હતી. બાકીના રૂ. 30 હજાર અમે હોટલના બાકી લેણા તેમજ અમે રહેતા હતા તે સ્ટાફ ક્વાર્ટરના ભાડા પેટે ચુકવી દીધા છે.”
સુસાઇડ નોટમાં ભાઈ-બહેનોએ લખ્યું છે કે, જો તમામ દેવું ચુકવતા કોઈ રકમ બચી જાય તો તે ઉપેન્દ્રને(સંજુનો મિત્ર આપી દેવી. સંજુની બાઈક પણ તેને જ આપી દેવી. કારણ કે પરિવારના ખરાબ સમયે સંજુના મિત્ર ઉપેન્દ્ર પાસેથી અમે રૂ. 20 હજાર ઉછીના લીધા હતા.
સુસાઇડ નોટમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, સંજુની વસ્તુઓ જેવી કે, બેડ, વ્હીલચેર, ચાર બ્લેન્કેટ, ડીનર સેટ, નવા ખરીદાયેલા વાસણોને દાનમાં આપી દેવા. ઇન્વર્ટર ચર્ચને દાનમાં આપી દેવું. જો અમારી તમામ વસ્તુઓ વેચીને કોઈ રકમ બાકી રહે છે તો તેનો ઉપયોગ અમારા અંતિમ સંસ્કાર માટે કરવામાં આવે. સુસાઇડ નોટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે અમારી વસ્તુઓ વેચ્યા બાદ જે રકમ વધે તેમાંથી બે પાદરીઓને થોડી રકમ આપવામાં આવે.
સુસાઇડ નોટમાં છેલ્લી ઇચ્છા જાહેર કરતા ચારેય ભાઈ-બહેનોએ લખ્યું છે કે, અમારે ચારેયના અંતિમ સંસ્કાર બુરારી સ્મશાનગૃહમાં કરવામાં આવે.