પુતિન સાથે વાતચીત બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આપી વિશ્વને ચેતવણી, ‘યૂક્રેન આનાથી ખરાબ…’

પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે 90-મિનિટના ફોન કૉલ પછી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન માને છે કે યુક્રેનમાં ‘સૌથી ખરાબ હજુ થવાનું બાકી છે’. ફ્રાન્સના રાષ્ટ્રપતિના એક સહાયકે જણાવ્યું હતું કે ફોન કોલ દરમિયાન ઇમેન્યુઅલ મેક્રોન સાથે પુતિનની જે વાત થઈ એમાં સંપૂર્ણ યુક્રેન પર કબજો કરવાના ઈરાદાઓ છતા થઈ રહયા હતા.

યુક્રેનમાં યુદ્ધનો સૌથી ખરાબ સમયગાળો હજુ આવવાનો બાકી

ફ્રેન્ચ નેતાના વરિષ્ઠ સહાયકે નામ ન આપવાની શરતે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ મેક્રોનને લાગે છે કે યુક્રેનમાં સૌથી ખરાબ હજુ થવાનું બાકી છે, કારણ કે રાષ્ટ્રપતિ પુતિને તેમને કહ્યું હતું. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમને જે કહ્યું તેમાં એવું કંઈ નહોતું જે અમને યુદ્ધના અંતની ખાતરી આપે. તે યુક્રેનમાં લશ્કરી કામગીરી ચાલુ રાખવા માટે ખૂબ જ મક્કમ દેખાય છે.’

પુતિને કહ્યું કે યુક્રેનને ‘ડિ-નાઝીફાય’ કરવું છે

ઈમેન્યુઅલ મેક્રોનના સહયોગીએ વધુમાં કહ્યું કે, વ્લાદિમીર પુતિન સમગ્ર યુક્રેન પર નિયંત્રણ રાખવા માંગે છે. પુતિનના શબ્દોમાં કહીએ તો, તે યુક્રેનને ‘ડી-નાઝીફાય’ કરવા (De-Nazify, નાઝી મુક્ત કરવા) માટે તેમના લશ્કરી ઓપરેશનને અંત સુધી ચલાવશે. તમે સમજી શકો છો કે આ શબ્દો કેટલા આઘાતજનક અને અસ્વીકાર્ય છે. રાષ્ટ્રપતિ મેક્રોને તેમને (પુતિન) કહ્યું કે આ સાચું ન હોઈ શકે, કહો કે આ વાતો ખોટી છે.

પુતિને નાગરિકોને નિશાન બનાવવાના આરોપો નકાર્યા

ફ્રેન્ચ રાષ્ટ્રપતિના એક સહાયકના જણાવ્યા અનુસાર, મેક્રોને પુતિનને નાગરિક જાનહાનિ ટાળવા અને માનવતાવાદી પહોંચની મંજૂરી આપવા વિનંતી પણ કરી. પુતિન રાષ્ટ્રપતિ મેક્રોનની વિનંતી માટે સંમત થયા, પરંતુ કોઈ પ્રતિબદ્ધતા ન દાખવી. સહાયકના જણાવ્યા અનુસાર, પુતિને કિવના આરોપોને નકારી કાઢ્યા હતા કે રશિયન દળો યુક્રેનમાં નાગરિકો અને રહેણાંક મકાનોને નિશાન બનાવીને હુમલાઓ કરી રહ્યા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિના એક સહાયકે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયન આક્રમણને કારણે ઇમેન્યુઅલ મેક્રોન મોસ્કો પર વધારાના પ્રતિબંધો માટે દબાણ કરશે. જોકે, સહાયકે બંને નેતાઓ વચ્ચે ફોન કોલ દરમિયાન કોઈ તણાવ હોવાનો ઈન્કાર કર્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિના એક સહાયકે કહ્યું, ‘રાષ્ટ્રપતિ પુતિનની વાત કરવાની રીત ખૂબ જ તટસ્થ અને ક્લિનિકલ છે. વાતચીત દરમિયાન તેઓ ક્યારેક અધીરાઈ દેખાડે છે, પરંતુ ફોન પર વાતચીત દરમિયાન બંને વચ્ચે કોઈ તણાવ ન હતો.’

 

Scroll to Top