પાકિસ્તાનની એક અદાલતે ગુરુવારે પાકિસ્તાનના અગ્રણી ઉદ્યોગપતિ પરિવારના વારસદાર ઝહીર જાફરને મૃત્યુદંડની સજા ફટકારી છે. તેના પર તેના બાળપણના મિત્ર અને પૂર્વ પાકિસ્તાની રાજદ્વારીની પુત્રીનું ગળું નિર્દયતાથી કાપીને હત્યા કરવાનો આરોપ હતો. 27 વર્ષીય નૂર મુકદમે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરતાં જાફર ગુસ્સે થયો હતો. તેણે નૂરને તેના ઘરે બોલાવીને પૂર્વ આયોજિત રીતે તેની હત્યા કરી હતી. ઈસ્લામાબાદની સેશન કોર્ટે આ સજા સંભળાવી છે. હવે મામલો હાઈકોર્ટમાં જઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, કોર્ટે ઉદ્યોગપતિ પરિવાર સાથે જોડાયેલા ઝહીર જાફરને નૂર મુકદ્દમની હત્યા માટે દોષિત ઠેરવ્યા છે. નૂર મુકદ્દમ ઝહીર જાફરની મિત્ર હતી. નૂર મુકદ્દમે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. 20 જુલાઈ, 2021ના રોજ, મુકદ્દમનો મૃતદેહ ઝહીર જાફરના ઘરેથી મળી આવ્યો હતો. સમાચાર અનુસાર, નૂરના પિતા પૂર્વ રાજદ્વારી શૌકતની ફરિયાદ પર પોલીસે ઝહીર જાફર વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી અને પૂર્વયોજિત હત્યાના આરોપમાં તેની ધરપકડ કરી હતી.
ગુરુવારે, એડિશનલ સેશન્સ જજ અતા રબ્બાનીએ ચુકાદો સંભળાવ્યો, જે તેમણે મંગળવારે કેસની સુનાવણી બાદ અનામત રાખ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને અમલમાં મૂકતા પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા પુષ્ટિ કરવાની જરૂર પડશે. આવી સ્થિતિમાં જજ રબ્બાનીએ કહ્યું કે ઝહીર આગામી સાત દિવસમાં નિર્ણય સામે અપીલ કરી શકે છે.
ન્યાયાધીશ રબ્બાનીએ ઝહીર જાફરને પાકિસ્તાની દંડ સંહિતાની કલમ 302 હેઠળ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે ઝહીરના પિતા ઝાકિર જાફર, માતા અસમત આદમજી અને તેમના અંગત રસોઈયાને નિર્દોષ જાહેર કર્યા હોવા છતાં, તેના બે ઘરના મદદગારો – ઇફ્તિખાર અને જમીલ – બંનેને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.