અમદાવાદના ઈન્કમટેક્ષ સર્કલથી ગાંધીજીની પ્રતિમા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ગાંધી થીમ પર ઓવરબ્રિજ તૈયાર થયો છે. તમામ પિલ્લરમાં ગાંધીજીની પ્રતિકૃતિ હશે. ગાંધીજીની પ્રતિમાને ધ્યાનમાં રાખીને બ્રિજ તૈયાર કરાયો છે. પણ હવે પ્રતિમાને ખસેડવાનો નિર્ણય લેવાયો છે.
ગાંધીજીની પાંચ સંસ્થાઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્કમટેક્ષમાં બની રહેલા ઓવરબ્રિજના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2 ઓક્ટોબરે પ્રતિમા વાડજ દાંડી ચોકમાં મુકવામાં આવશે. કોર્પોરેશન દ્વારા તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
શહેરના આશ્રમ રોડના ઇન્કમટેક્ષ જંકશન ખાતે ચાર વર્ષ પહેલાં ફ્લાયઓવર બાંધવાનું નક્કી થયું હતુ. તે વખતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખસેડવી ન પડે તે માટે ફ્લાયઓવરની સ્પેશ્યલ ડિઝાઇન કરાવી હતી. જેથી અંદાજિત ખર્ચ રૂ.60 કરોડ મુકાયો હતો. કન્સલટન્ટને રૂ.35 લાખની ફી ચૂકવાઇ હતી અને સેપ્ટ યુનિવર્સિટી પાસેથી ફ્લાયઓવરની નવી ટેકનીકનો ઉપયોગ કરાયો હતો. આ તમામ કસરત મહાત્મા ગાંધીની પ્રતિમા ન ખસેડવી પડે તે માટે હતી. પણ હવે જ્યારે ફ્લાયઓવરનું કામ આખરી તબક્કામાં છે.
એવું કહેવાઇ રહ્યું છે કે, કેટલીક ગાંધીવાદી સંસ્થાઓ ગાંધીજીની પ્રતિમા ખસેડવા માટે અનુરોધ કરી રહી છે તો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, જ્યારે ફ્લાયઓવર ડિઝાઇન થતી હતી તે વેળાએ ગાંધીવાદી સંસ્થાઓએ કેમ મહાત્મા ગાંધીની પ્રતિમા ખસેડવા માટે અનુરોધ કર્યો ન હતો જો, ફ્લાયઓવરની ડિઝાઇન પહેલાં આ નિર્ણય લેવાયો હોતો તો ફ્લાયઓવરના ખર્ચમાં તોતિંગ ઘટાડો થઇ શકે તેમ હતો. પણ જાણીજોઇને કોન્ટ્રાક્ટરને ફાયદો થાય અને ખાસ પ્રકારની ડિઝાઇનનો ફ્લાયઓવર બાંધવાનો છે તેમ કહી ઊંચો અંદાજ મુકવામાં આવ્યો હતો.
હવે ફ્લાયઓવર અંતિમ તબક્કામાં છે ત્યારે મહાત્મા ગાંધીની પ્રતિમા ખસેડવાનું યાદ આવી રહ્યું છે. ઇન્કમટેક્ષ ચાર રસ્તા ઉપર એક જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે તે ઉપરના ભાગને એ રીતે ડિઝાઇન કર્યો છે કે, પ્રતિમાને ખસેડવી પડે નહીં. જોકે, હવે કેટલીક ગાંધીવાદી સંસ્થાઓ મહાત્મા ગાંધીની પ્રતિમાને ખસેડવાની રજુઆત કરી રહી છે. જેને કોર્પોરેશને સમંતિ આપી દિધી છે.