રાંધણ ગેસના ભાવ સાત વર્ષમાં બમણાં, સબસીડી પણ ખતમ

  • ભાવ વધારા અંગે કેન્દ્ર સરકારે લોકસભાને માહિતી આપી, છેલ્લા 32 દિવસમાં જ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 125 રૂપિયાનો અધધ વધારો

રાંધણ ગેસ અથવા એલપીજીની કિંમત છેલ્લા સાત વર્ષમાં બમણી થઈ ગઈ છે. વધતા જઈ રહેલા ભાવની સાથે-સાથે મળતી સબસિડી પણ ખતમ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ લેખિતમાં આપતા કહ્યું કે, ભારત સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલના વેચાણમાંથી ટેક્સ વસૂલાત આ સમયગાળા દરમિયાન વધેલા ટેક્સના પરિણામે સાડા ચાર ગણો વધ્યો છે.

સોમવારે વધતા જતા ઈંધણના ભાવ પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ અનુસાર, 2014ની પહેલી માર્ચે એલપીજી સિલિન્ડરનો ભાવ 410.50 રૂપિયા હતો અને આ મહિને તે વધીને 819 રૂપિયા થયો છે. આ ભાવ દિલ્હીના છે અને અન્ય રાજ્યમાં તે ટેક્સ પ્રમાણે બદલાય છે.

માત્ર છેલ્લા 32 દિવસમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 125 રૂપિયા વધ્યો છે, જેના કારણે મધ્યમ તેમજ ગરીબ વર્ગના પરિવારના બજેટને ફટકો પડ્યો છે.

વધતા જઈ રહેલા ઈંધણના ભાવ અંગે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ અને ડિઝલના ભાવ ક્રમશ: 26 જૂન, 2010 અને 19 ઓક્ટોબર, 2014થી નિયંત્રિત થઈ ગયા હતા. રિટેલરોએ ‘આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોના ભાવ, રુપિયાના વિનિમય દર, કરનું માળખું તેમજ અન્ય ખર્ચ તત્વો’ની સાથે ભાવ નક્કી કર્યા હતા.

રિટેલ ભાવ પ્રમાણે, 2013માં ઈંધણના વેચાણથી થયેલી આવક 52,537 કરોડ રૂપિયા હતી, જે 2019-20માં વધીને 2.13 લાખ કરોડ થઈ હતી અને માત્ર 11 મહિનામાં જ એટલે કે 2020-21માં તે 2.98 લાખ કરોડ થઈ છે.

પેટ્રોલ પર 32.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. 2018માં પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી 17.98 રૂપિયા અને ડીઝલ પર 13.83 રૂપિયા હતી. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકારનું પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યૂઅલ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલ પરનું કુલ એક્સાઈઝ કલેક્શન 2016-17માં 2.37 કરોડ રૂપિયા હતું, જે એપ્રિલ-જાન્યુઆરી 2020-21માં વધીને 3 લાખ કરોડ રૂપિયા થયું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top