સુરતમાં પ્રેમિકાના ભાઇએ બે ભાઇઓ પર કર્યો હુમલો, એક ભાઇનું મોત

સુરતમાં હત્યાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરતના રૂદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે પિતરાઈ ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જાણવા મળ્યું છે કે યુવતી સાથે અફેર બાદ લગ્ન તૂટી ગયા બાદ યુવતીના ભાઈઓએ બહેનના પ્રેમી પર હુમલો કર્યો હતો, જેમાં પ્રેમીના ભાઈનું મોત થયું હતું. પોલીસે હત્યાની તપાસ શરૂ કરી છે.

શુ હતો મામલો?

પ્રેમીના કારણે બહેનનો પરિવાર તૂટી જશે તેવી ભીતિથી યુવતીના ભાઈએ તેના સાગરિતો સાથે મળીને પ્રેમી અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રેમી યુવકના ભાઈનું મોત નીપજ્યું હતું. આ ઘટના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના રૂદપુરામાં બની હતી. પોલીસે ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ લાઇન પાસે રહેતા બે ભાઈઓ માવિયા મોહમ્મદ હબીબ કાછી અને યામીન કાછી પર રવિવારે સવારે ઈમરાન મુલ્લા, સાહિલ મુલ્લા અને હબીબ ઈસ્માઈલ શેખે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે સવારે યામીન કચ્છીનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે, આરોપી હબીબ ઈસ્માઈલની પરિણીત બહેન માવિયા કચ્છી સાથે પ્રેમ સંબંધ ધરાવે છે. થોડા દિવસો પહેલા હબીબની બહેને તેના પતિને છોડી દીધો હતો, જેના કારણે હબીબને શંકા હતી કે માવિયાના કારણે તેની બહેને પતિનું ઘર છોડવું પડ્યું છે.

આ બાબતની અદાવતમાં તેણે તેના સાગરિતો સાથે મળીને રવિવારે સવારે માવિયા પર હુમલો કર્યો હતો. જ્યારે તેનો ભાઈ બચાવમાં આવ્યો ત્યારે તેણે તેના પર પણ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાસી ગયો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

Scroll to Top