વડાપાવના શોખીનો માટે ધમાકેદાર સમાચાર છે. દુબઈની એક જાણીતી હોટલે સોનાનું વડાપાવ લોન્ચ કર્યું છે, જેનું નામ ‘ગોલ્ડ વડાપાવ’ રાખવામાં આવ્યું છે. આ વડાપાવની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
હોટલે તેના સોશિયલ મીડિયા પેજ પર આ વાનગીનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે અમે વિશ્વનું પહેલૂ 22 કેરેટ સોનાનું વડાપાવ લોન્ચ કર્યું છે. વાસ્તવમાં આ હોટલનું નામ ‘ઓ પાવ’ છે. હોટલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં તે કેવી રીતે બનાવવામાં આવ્યું છે અને તેની ખાસિયતો સમજાવે છે. વડામાં સોનાના વડાનો માવો બનાવવા માટે બટર અને ચીઝ ભરવામાં આવે છે.
વડા તૈયાર કર્યા પછી તેને સોના જેવા દેખાતા દ્રાવણમાં ડૂબાડી દેવામાં આવે છે. પછી ગરમ તેલની એક કઢાઈમાં તળવામાં આવે છે. વડાપાવને ફ્રેંચફ્રાઈ અને ફુદીનાના લીંબુપાણી સાથે ફેન્સી લાકડાના બોક્સમાં પીરસવામાં આવે છે.
હોટલે સોનાના વડાપાવની કિંમત 99 દિરહામ (લગભગ 2,000 રૂપિયા) કરી છે. તેને ફક્ત હોટલની અંદર જ ખાઈ શકાય છે. તેને બહાર કાઢવાની મંજૂરી નથી. વડાપાવને લાકડાના ડબ્બામાં પીરસવામાં આવશે. વાનગીને વધુ આકર્ષક બનાવવા માટે બોક્સમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે.
હોટલ ‘ઓ પાવ’ લાંબા સમયથી વિવિધ જાતોના મોટા પાવ બનાવી રહી છે. ભારતીય ભોજન માટે આ હોટલ દુબઈમાં લોકપ્રિય છે. જો કે દુબઈમાં લાંબા સમયથી ફૂડ ડિશ સાથે સોનાનો ઉપયોગ કરવામાં આવે છે.
View this post on Instagram
અહીં 24 કેરેટ ગોલ્ડ બર્ગર, આઇસક્રીમ, ફ્રેન્ચ ટોસ્ટ અને બિરયાની પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ આ વાનગી વિશ્વભરના વડાપાવ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે. ‘ઓ પાવ’એ વીડિયો પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં જણાવ્યું હતું કે અમે વિશ્વના પ્રથમ ૨૨ કેરેટ ગોલ્ડ વડાપાવના લોન્ચિંગની જાહેરાત કરવામાં ખુશ છીએ. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.