રાજ્યમાં હાલ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ રહેલ છે. છેલ્લાં થોડા દિવસોથી વરસાદે બ્રેક લીધો છે. જયારે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કર્યા બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી અઠવાડિયે રાજ્યમાં ફરી વરસાદનું આગમાન થવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સર્જાશે.
17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ માહોલ સર્જાશે. જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયાથી વરસાદ પાછો ખેંચાયેલો છે. જેનાથી ખેડુતો ચિંતિત બનેલા છે. આગામી એક અઠવાડિયા બાદ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે જેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા કહેવામાં આવ્યું છે કે, 17 ઓગસ્ટ અગાઉ કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદના લાંબા વિરામ બાદ હવે ફરી એકવખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની આગાહી કરાઈ છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ભારે ઘટ રહેલી છે. છેલ્લાં બે અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયેલો છે. જેના કારણે લગભગ 46 ટકા વરસાદની ઘટ જોવા મળેલ છે. ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 254 એમએમ જેટલો જ વરસાદ વરસ્યો છે. ત્યારે સૌ કોઈ વરસાદની રાહ જોઈને બેઠેલા છે.