બર્થડે પાર્ટીમાં મોટા અવાજે મ્યુઝિક પર વાંધો ઉઠાવવો પડયો મોંઘો! બદમાશોએ આવી રીતે લીધો બદલો

બર્થડે પાર્ટીમાં જોરથી મ્યુઝિક વગાડવા સામે વાંધો ઉઠાવવો એક વ્યક્તિને ખૂબ જ મોંઘો પડ્યો છે. બર્થડે પાર્ટીમાં સામેલ બે લોકોએ ફરિયાદ કરનાર વ્યક્તિની 15 લાખની કિંમતની કારને આગ ચાંપી દીધી હતી. અમદાવાદના મેમ્કોમાં રહેતા યશવંત યોગીએ ગુરુવારે શહરકોટડા પોલીસમાં હાર્દિક ચૌહાણ અને કેતન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

47 વર્ષીય યશવંતે પોલીસને જણાવ્યું, ‘આ ઘટના બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બની હતી. મારા ઘરની સામે, એક ઓટોરિક્ષામાં બે લોકો મોટેથી મ્યુઝિક વગાડીને બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા. મોટા અવાજે મ્યુઝિક વગાડવા માટે મેં બંનેને ઠપકો આપ્યો અને બંને ત્યાંથી ચાલ્યા ગયા. ઠંડીને કારણે હું પણ મારા ઘરની અંદર આવીને સૂઈ ગયો. બધા દરવાજા બંધ હોવાથી અમને ખબર ન હતી કે બહાર શું થઈ રહ્યું છે. અમે અચાનક અમારા પાડોશીની ચીસો સાંભળી કે કોઈએ મારી કારને આગ લગાવી દીધી છે.’

પાડોશીએ કહ્યું, બંનેએ કારમાં આગ લગાવી દીધી
યોગીએ દોડીને જોયું કે કોઈએ તેમની એમયુવીની બારીના કાચ તોડી દીધા છે અને કારને આગ લગાડી દીધી છે. ઘટનાને નજરે જોનારા સાક્ષી અને યશવંત યોગીના પાડોશી નિશા વચેતાએ યોગીને કહ્યું કે તેમણે હાર્દિક ચૌહાણ અને કેતનને તેમની કાર પર કોઈ લિકવીડ નાખતા જોયા હતા અને પછી કાર પર સળગતી માચીસ ફેંકતા પહેલા લાકડી વડે કારની બારીઓ પણ તોડી નાખી હતી.

પોલીસે કાર માલિકની ફરિયાદ પર ગુનો નોંધ્યો હતો
યોગીએ સિટી બ્રિગેડના જવાનોને બોલાવીને ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ત્યાં સુધીમાં બમ્પર, બોનેટનો ભાગ અને આગળના બે ટાયર બળી ગયા હતા. યોગીએ પોલીસનો સંપર્ક કર્યો અને બંને વિરુદ્ધ આઈપીસીની કલમ 435, 427 અને 114 હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Scroll to Top