શ્રીનગરમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફેંક્યો ગ્રેનેડ, હુમલામાં એક CRPF જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી સેના અને સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. શ્રીનગરમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક જવાનને સામાન્ય ઈજા થઈ હતી. આ હુમલો અલી જાન રોડ સ્થિત ઈદગાહ પાસે થયો હતો. આ ઘટના બાદ પોલીસે ગુનેગારોને પકડવા માટે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ પહેલા ગુરુવારે સવારે આતંકવાદીઓએ રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં ચાર જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં લગભગ ત્રણ વર્ષ બાદ આવો ફિદાયીન હુમલો થયો છે. પોલીસે જણાવ્યું હતું કે બંને આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.
કાશ્મીર ખીણમાં છેલ્લો મોટો આત્મઘાતી હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લેથપોરા ખાતે થયો હતો જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ પછી ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.