કઠલાલ નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે પર એસટી અને ટ્રક વચ્ચે થયો ભયંકર અકસ્માત, 32 મુસાફરો ઈજાગ્રસ્ત

સમગ્ર રાજ્યમાં હાલના સમય અકસ્માતનોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તેમ છતાં આ દરમિયાન ગુજરાતમાં એસટીની સવારીને સલામત ગણાઈ છે. એસ.ટીનો નારો છે કે, સલામત સવારી-એસટી અમારી આ નારાને અનુસરતા એસ.ટી બસોમાં અકસ્માત ટાળવા માટે બસોની ગતિ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. તેમ છતાં એસટીના અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ક્યારેક આવા અકસ્માતમાં એવો ચમત્કાર થઈ જાય છે કે વાહનના ભૂકા ભલે થઈ જાય પરંતુ અંદર બેઠા હોય તે બધા જ બચી જાય છે.

આવી જ એક અકસ્માતની ઘટના આજે સવારના અમદાવાદ-ઈન્દોર હાઈવે પરના કઠલાલ પાસેના અનારા ગામ નજીક થઈ હતી. તેમ છતાં આ ગમખ્વાર અકસ્માતમાં કોઈનું મોત થયું નહોતું, પરંતુ બસમાં બેઠેલા આશરે 32 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જે પૈકી એક મહિલા અને બસના કંડકટરની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરથી ઝાલોદ જઈ રહેલી એસટી બસ નં. GJ-18-Z-3754 ના ચાલકે આગળ ઊભી રહેલી એક ટ્રક સાથે પોતાની બસનો અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બસની ખાલી સાઈડનું પડખું પણ ચીરાઈ ગયું હતું. જેના કારણે બસમાં સવાર લગભગ 40 થી વધુ પેસેન્જરોના જીવ અધ્ધર તાલે થઈ ગયા હતા. અકસ્માત થતા જ મુસાફરોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો.

તેમ છતાં આજુબાજુના વાહન ચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મુસાફરોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન એમ્બ્યુલન્સ પણ આવી જતા તમામ મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે એસટી બસનું પડખું પણ ચીરાઈ ગયું અને ટ્રેલર બસમાં અંદર સુધી પણ ઘુસી ગયું હતું. અકસ્માત બાદ ક્રેન મારફતે બસને ટ્રકના પડખામાંથી બહાર કઢાઈ હતી.

Scroll to Top