ગુજરાતમાં મેઘરાજાની પધરામણીઃ અમરેલી જિલ્લામાં મેઘો મન મૂકીને વરસ્યો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયા બાદ હવે મેઘરાજા અમરેલી પહોંચી ગયા છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રથમ વરસાદે જ જિલ્લાની અનેક નદીઓ છલોછલ થઈને ઉભરાઈ હતી. આ સિવાય જિલ્લાના ધાતરવાડી 2 અને શેલ દેદુમલ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જેને કારણે નીંચાણવાળા 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આંબરડી નદીમાં ઘોડાપૂરને કારણે વાહનો પણ તણાયા હતા. જ્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા.

શેલ દેદુમલ ડેમના બે દરવાજા ખોલાયા

સાવરકુંડલાના હાથસણીના શેલ દેદુમલ ડેમના બે દરવાજા ખોલવા પડયા. ઉપરવાસના ગામડાઓમાં સાંબેલાધાર વરસાદ પડતા ડેમના બે દરવાજા ખોલવા પડ્યા હતા. આ શેલ નદીમાં બે દરવાજા ખોલવાના કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હોય નીંચાણવાળા 13 ગામોને એલર્ટ કરાયા છે. કારણ કે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ જો વરસાદ વધે તો વધુ દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ છે અને નીંચાણવાળા ગામોમાં પાણી ઘુસી જાય તેવી સંભાવના રહેલી છે. આ ઉપરાંત રાજુલા નજીક આવેલ ધાતરવડી-2 ડેમ ઓવરફલો થઈ જતાં ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમરેલીમાં ભારે વરસાદને કારણે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે અનેક વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત રાજુલાના હીડોરણા નજીક બેઠા પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો.

અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં લીલીયામાં ગામ વચ્ચે વહેતી નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જો પાણીમાં વધારો થશે તો કાંઠે આવેલ દુકાનોમાં પાણી ઘૂસી જવાનો ડર વેપારીઓને સતાવી રહ્યો છે. આ ઉપરાંત અમરેલીના સાવરકુંડલામાં અનરાધાર વરસાદ કારણે આંબરડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. અને તેમાં વાહનો તણાયા હતા. ગામના મુખ્ય બજારમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે. નદીના ભારે પ્રવાહમાં 1 છકડો અને 4 બાઈક તણાઈ ગઈ હતી. એટલું જ નહીં મુખ્ય બજારમાં આવેલી બેંકમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો