દેવભૂમિ દ્વારકાથી ડ્રગ્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના સલાયા પાસેથી એલસીબી અને એસઓજીના સ્ટાફ દ્વારા રૂ.300 કરોડથી વધુ ડ્રગ્સના જથ્થા સાથે એક પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસવડા સુનિલ જોષી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડ્રગ્સ માફિયા સુધી પહોંચવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દેવભૂમિ-દ્વારકાના એલ.સી.બી. અને એસ.ઓ.જીની ટીમ દ્વારા ખંભાળિયાના આરાધના ધામ નજીકથી અંદાજીત રૂ.૩૦૦ કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સિવાય તેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા પરપ્રાંતીય પક્કડસિંઘ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આરોપી પક્કડસિંઘને ઝડપી તેની પાસેથી રૂ.૩૦૦ કરોડથી વધુ કિંમતનો કુલ ૬૬ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું જાણકારી સામે આવી છે. જેમાં ૧૬ કિલોગ્રામ હેરોઇન અને ૫૦ કિલોગ્રામ એમ.ડી. ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજી તરફ પોલીસની સતર્કતાના પગલે ગુજરાતમાં વધુ એક દુષણ નાખવાનું ડ્રગ્સ માફિયાઓનું કાવતરું નિષ્ફળ રહ્યું છે. પોલીસ દ્વારા ઘટનાની નોંધ કરી ડ્રગ્સ પેડલર પક્કડસિંઘને દબોચી જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યો તે તે અંગે આરોપીના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.