ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાનીને જાણવા આવેલા પી એમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં પાટીલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના તેમજ વાવાઝોડાને પગલે ગુજરાતમાં ઊભી થયેલી સ્થિતિના સંદર્ભમાં વિગતવાર જાણકારી કહી હતી.
આ સિવાય તાજેતરમાં ગાંધી આશ્રમ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પણ મુખ્ય સ્ટેજ પર પાટિલને બેસાડવામાં આવ્યા હતા. વાસ્તવમાં સરકારી કાર્યક્રમોની અંદર પક્ષપ્રમુખને સ્થાન આપવામાં આવતું નહોતું. ત્યારે પણ ભાજપ અને સરકારમાં આ અંગે અનેક પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ વડા પ્રધાને સી આર સાથે બંધ બારણે બેઠક કરીને રાજકીય મેસેજ પણ આપ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આડકતરા ઇશારાને મોટા નેતાઓ સમજી ગયા છે.
આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જો ઈચ્છા હોત તો તેઓ રાજકોટ પણ ઉતરાણ કરી શકતા હતા. પરંતુ ભાવનગર જ કેમ ઉતરાણ કર્યુ તે અંગે એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા પણ ભાવનગરના રહેવાસી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન હેલિકોપ્ટરમાં પણ સિનિયર IAS પંકજકુમારને હાજર રાખ્યા હતા. તેમની પાસેથી જ મોટાભાગની માહિતી પ્રાપ્ત કરી હતી. વડાપ્રધાને મુખ્ય સચિવ સહિતના ટોચના અધિકારીઓ સાથે પણ મિટિંગ કરી હતી, જેમાં મુખ્યમંત્રી વીજય રૂપાણી પણ હાજર હતા. પરંતુ સી આર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વન ટુ વન બેઠક કરતા હવે આગામી સમયમાં રાજકીય નવાજૂનીના એંધાણ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રચાયેલી કોર કમિટીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી આર સી ફળદુ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને મંત્રી સૌરભ પટેલનો સામેલ થયા હતા. આ સિવાય મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન પણ હાજર રહ્યા હતા. જ્યારે મુખ્ય સચિવ અનિલ મુકિમ, હેલ્થના અગ્ર સચિવ જયંતી રવિ, હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરેને પણ કમિટીમાં સમાવેશ થયો છે. આ ત્રણેય IAS અધિકારીઓ અને મંત્રી ફળદુ સિવાયના કમિટીના બાકીના તમામ સભ્યોને કોરોના થઈ ચૂક્યો છે.
આ કારણોસર આ ત્રણ IAS અધિકારીઓને હજુ પણ નસીબદાર ગણવામાં આવે છે. જેના કારણે સચિવાલયમાં તાજેતરમાં અન્ય બાબુઓએ પણ આ ત્રણેય અધિકારીઓને તંદુરસ્ત હોવાની શુભેચ્છા પાઠવી છે. બીજી તરફ એવી ચર્ચા શરૂ થઈ છે કે તે માત્ર ઓફિસમાં બેસીને મિટિંગો કરે છે અને પોતાના તાબાના અધિકારીઓને ફોન પર સૂચના આપીને સંતોષ અનુભવે છે. આ ત્રણેય અધિકારીઓ વાસ્તવમાં ક્યારે લોકોની વચ્ચે ગયા નથી. તો તેમને કઈ રીતે કોરોના થાય? આ કારણોથી તેઓ નસીબદાર કહેવામાં આવે.