ગુજરાત કોંગ્રેસ આર્થિક ભીંસમાં, મોંઘવારીથી પીડાતી પ્રજા પાસે ઉઘરાવશે નાણાં

અમદાવાદઃ છેલ્લા 28 વર્ષથી ગુજરાતમાં સત્તા વિહોણી બનેલી કોંગ્રેસ ધીમે ધીમે નાણાં ભીડમાં સપડાઈ ગઈ છે, ત્યારે ચૂંટણી લડવા માટેના નાણાં એકઠા કરવા કોંગ્રેસે મોંઘવારીથી પીડાતી પ્રજા પાસે હાથ ફેલાવવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના નેતાઓને લોકસભા ચૂંટણી માટે 25 કરોડ રૂપિયા ભેગા કરવાની સૂચના આપી છે. તેથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસથી ગુજરાત કોંગ્રેસ જનસંપર્કની સાથે ધનસંગ્રહ અભિયાન શરૂ કરશે. જેમાં 100 રૂપિયાથી 1000 સુધીની કૂપનો તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમ 19 નવેમ્બર સુધી ચાલશે. જેમાં 50 હજાર બૂથોમાં જઈને કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસની પત્રિકાની સાથે નાણાં ઉઘરાવવા માટેની કૂપનો પણ વેચશે.

ગુજરાત કોંગ્રેસને 25 કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ

આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસને 25 કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના આગેવાનો પ્રજા પાસેથી ઉઘરાવેલું ફંડ ઘરભેગું ન કરે તે માટે ખાસ તકેદારી રાખવાની સૂચના હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી છે.

દર વર્ષે ફંડમાં એક લાખ રૂપિયા આપી શકે એવા સભ્યોની શોધમાં

ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં પક્ષમાં સદ્ધર હોય અને ઓછામાં ઓછા એક લાખ રૂપિયા આપી શકે એવા 300 સભ્યો તૈયાર કરવા જઈ રહી છે. આ સભ્યો પક્ષના ફંડમાં દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા આપી શકવા માટે સક્ષમ હોવા જરૂરી છે.

દેશમાંથી 500 કરોડ ઉઘરાવવાનું આયોજન

2019ની લોકસભા ચૂંટણી પહેલાં પૈસેટકે બેહાલ બની ગયેલી કોંગ્રેસે ચૂંટણી લડવા માટે આખા દેશમાંથી 5૦૦ કરોડ એક્ત્ર કરવાનું નક્કી કર્યું છે. 2, ઓક્ટોબરથી 19મી નવેમ્બર સુધી ચાલનારી ઉઘરાણા ઝુંબેશમાં ગુજરાતમાંથી 25 કરોડ 21 લાખ 20 હજારનું ફંડ એકઠું કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

અહમદ પટેલે બૂથ દીઠ 5000 ઉઘરાવવા કર્યો આદેશ

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ હાલમાં આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે. લોકસભાની ચૂંટણી લડવા માટે પુરતુ ફંડ નથી. કોંગ્રેસના ખજાનચી એહમદ પટેલે તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ સાથે મીટિંગ કરીને દરેક બૂથ દીઠ રૂ.5,૦૦૦ ઉઘરાવવાનો આદેશ કર્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના 50,424 બૂથ આવેલા છે. તે ગણતરી મુજબ ગુજરાત કોંગ્રેસે 25 કરોડ 21 લાખ 20 હજાર એકઠા કરવાના થશે. ગુજરાત કોંગ્રેસ દેવામાં ગળાડૂબ છે. 2017ની ચૂંટણીમાં 7 કરોડનું દેવું થયું હોવાની ચર્ચા છે. આ દેવું હજુ સુધી ભરપાઈ થયું નથી. તેથી ચૂંટણીના બહાને ફંડ એકત્ર થશે તેમાંથી દેવું ઉતારી બાકીની રકમ લોકસભા ચૂંટણી ફંડમાં જમા કરાવાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top