ગુજરાતનો ડાંગ જિલ્લોઃ સૌથી વધારે વરસાદ પડે છે છતાય લોકોને પાણી મળતું નથી, ગજબની સમસ્યા…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાતનો ડાંગ જિલ્લો રાજ્યનો એક એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે વરસાદ વરસે છે. નદી નાળાઓ ભરાઈ જાય છે. ઝરણાઓ વહેવા લાગે છે અને પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે. પરંતુ મેઘરાજા પોતાની અપાર કૃપા આ જિલ્લા પર વરસાવતા હોવા છતા પણ અહીંયા હંમેશા પાણી માટે લોકોને સમસ્યાઓ વેઠવી પડે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે,રાજ્યનો એક એવો જિલ્લો કે જ્યાં સૌથી વધારે વરસાદ થાય છે તો પણ પાણીની સમસ્યાઓ આટલી બધી કેમ?

ડાંગ જિલ્લામાં સરેરાશ 100 ઇંચ કરતાં વધુ વરસાદ પડતો હોય છે. ચોમાસામાં અહીં નદીઓ અને કુદરતી ધોધ જોવા દૂરદૂરથી લોકો આવતા હોય છે. આમ છતા અહીં રહેતા આદિવાસી લોકોને પીવાના પાણી માટે પારાવાર તકલીફો ભોગવવી પડતી હોય છે. મોટા ભાગના ગામોમાં લોકોએ પાણીમાટે દૂરદૂર ભટકવું પડે છે. ગામમાં અને ઘરોમાં પાણી પહોંચાડવા માટે સરકારની વિવિધ યોજના નિષ્ફળ જોવા મળે છે.

અહીંયા ટાંકીઓ છે અને નળ કનેક્શન પણ આપવામાં આવેલા છે પરંતુ પાણી જ ન આવતું હોય તો આ ટાંકીઓ અને નળ કનેક્શન શું કરવાના? ડાંગમાં આવેલા સોનગીર ગામની મહિલાઓને પાણી માટે રોજ માથે બેડા લઈને 2 કિલોમીટરનો પહાડ ચઢવો પડે છે ત્યારે જઈને પાણી નસીબ થાય છે. તો બીજીતરફ આ વિસ્તાર એક જંગલનો વિસ્તાર છે એટલે મહિલાઓને હિંસક પ્રાણીઓનો ભય પણ સતત સતાવે છે. પરંતુ થાય શું? મજબૂરી છે એટલે મોત સામે બાથ ભીડીને પણ આ મહિલાઓ જંગલમાં પાણી ભરવા જાય છે.

આદિવાસી અને પછાત ગામોમાં સરકારે વીજળી, રસ્તા સાથે મોબાઈલ નેટવર્કની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓને કારણે અહીંયા લોકો માટે જીવન જરૂરી પાણી પહોંચતું નથી. બરડા ગામે વાસમો યોજના હેઠળ બનવવામાં આવેલ ટેન્ક તૂટી ગઇ છે..જેથી ઘરે ઘરે પાણી એ માત્ર સ્વપ્ન જેવું લાગે છે.બરડા ગામે વર્ષો જૂનો પાણીનો કૂવો પણ જમીનમાં ધસી પડ્યો છે..જોકે એક માત્ર આધાર હોય એટલે મહિલાએ જીવન જોખમે આ કુવાની તૂટેલી પાળ ઉપર ચઢી ને કે કુવામાં નીચે ઉતરીને પાણી લેવા મજબૂર છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો