ભારતીય મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ બ્રિટનની સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હોકી ટીમની ખેલાડીઓએ મેચ હારવા છતાં દેશવાસીઓના દિલ જીતી લીધા છે. દરેક લોકો તેમને આગામી ઓલિમ્પિકમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. જ્યારે ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજી ધોળકિયાએ એક મોટી જાહેરાત કરી દીધી છે. જે અનુસાર તેઓ દરેક ખેલાડીને અઢી લાખ રૂપિયા આપવાના છે.
સવજી ધોળકિયાએ આ જાહેરાત પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેર કરી છે. જેમાં તેમણે મહિલા હોકી ટીમની એક તસ્વીર પણ શેર કરી છે અને જણાવ્યું છે કે ‘કર્મણયેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અમે અમારા તરફથી ખેલાડીઓનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેનાથી કઠોર મહેનત કરવાથી તેઓ પાછળ ન હટે. હરિ કૃષ્ણા ગ્રુપ દ્વારા ભારતીય મહિલા હોકી ટીમને સુરત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. દરેક ખેલાડીને 2.50 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપીને સન્માનિત કરાશે.
નોંધનીય છે કે, સેમી ફાઈનલ પહેલા સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, જો મહિલા ટીમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને લાવશે તો તેઓ ખેલાડીઓને કાર અથવા ઘર ગિફ્ટમાં આપશે. તેમણે આ જાહેરાત પણ ટ્વિટર હેન્ડલ દ્વારા કરી હતી અને જણાવ્યું હતું કે ‘મને તે જાહેરાત કરતાં અત્યંત ખુશી થઈ રહી છે કે, જો તેઓ ફાઈનલ જીતશે તો હરિ કૃષ્ણા ગ્રુપ દ્વારા તે તમામ મહિલા હોકી ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું ઘર અથવા નવી કાર આપવામાં આવશે. તેમને નાણાકીય સહાયની સખત જરૂર છે. આપણી છોકરીઓ #TokyoOlympics માં દરેક પગલાની સાથે ઈતિહાસ રચી રહી છે’.
જ્યારે એક નામી ચેનલથી વાતચીત દરમિયાન સવજી ધોળકિયાએ કહ્યું હતું કે, ‘મને મીરાબાઈ ચાનુને જોઈને પ્રોત્સાહન મળ્યું હતું અને જોયું હતું કે, કેવી રીતે આપણા દેશની મહિલાઓ વિશાળ છલાંગ લગાવી રહી છે. મીરાબાઈ ચાનુ એક નાના ઘરમાં અને સાદું જીવન પસાર કરે છે તેમ છતાં મેડલ જીતીને લાવી છે. હું જાહેરાત કરવા ઈચ્છું છું કે, જો હોકી ટીમની મહિલા ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતીને લાવશે તો જેમની પાસે ઘર નથી તેમને 11 લાખ રૂપિયા અને જેમની પાસે કાર નથી તેમને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે.