આંદોલનમાંથી ઉભરેલા ત્રણ નેતાઓ હાર્દિક, અલ્પેશ, જીજ્ઞેશ જીત્યા

ગુજરાતના રાજકારણમાં ચળવળના કારણે ઉભરેલા ત્રણેય નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જીત નોંધાવવામાં સફળતા મેળવી છે.

પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા હાર્દિક પટેલે અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડી હતી. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવાના કારણે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો.પરંતુ તેઓ 51707 મતોની સરસાઈથી જીત્યા છે. રસપ્રદ વાત એ છે કે, વિરમગામ બેઠક પર તેમના નજીકના હરીફ કોંગ્રેસના લાખા ભરવાડ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર હતા. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે હાર્દિકની જીત માટે વિરમગામમાં રોડ શો કર્યો હતો.

દારૂ વિરોધી પ્રચારક અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર પણ આખરે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જીતી ગયા છે. તેમણે INCના હિમાંશુ પટેલને 43064 મતોથી હરાવ્યા છે. ભાજપની અંદર તેમનો ઘણો વિરોધ થયો હતો. પરંતુ છેલ્લા સાત દિવસમાં ભાજપે સ્થિતિ સંભાળી લીધી હતી. 2017ની ચૂંટણીમાં, તેઓ કોંગ્રેસની ટિકિટ પર રાધનપુર બેઠક પરથી જીત્યા હતા, પરંતુ પછી તેઓ ભાજપમાં જોડાયા હતા, જોકે પેટાચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.

ઉના દલિત ઘટના બાદ ચર્ચામાં આવેલા દલિત નેતા જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી સતત બીજી વખત જીત્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાને હરાવ્યા છે. ગત ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના સમર્થનથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો