બે યુવકો અમેરિકનોને લાલચ આપી પડાવતા રૂપિયા, પોલીસને જોઈને યુવકોએ લેપટોપ 13 મા માળથી નીચે ફેંક્યા

ગાંધીનગરમાં અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે. જે ગાંધીનગરનાં ખોરજ માં ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો અડાલજ પોલીસ દ્વારા પર્દાફાસ કર્યો છે. અને આ દરમિયાન કોલ સેન્ટર ચલાવનારા બે વિદેશી યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે આ બંને આરોપી યુવકોમાં એક અફઘાનિસ્તાન અને બીજો યુવક મોઝામ્બિકનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બંને યુવકો અહીં નકલી કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી કરતા હતા. જેમાં આ બને યુવકો અમેરિકાના લોકોને લાલચ આપીને છેતરપિંડી કરતા હોવાનુ સામે આવ્યું છે. આ બંને યુવકો અમેરિકનોને લાલચ આપી રૂપિયા પડાવતા અને તેને બિટકોઈનમા ટ્રાન્સફર કરતા હતા. ત્યારે આ અંગે માહિતી મળતા બને યુવકોની ધરપકડ કરીને સાયબર ક્રાઇમ ગાંધીનગર અને અડાલજ પોલીસ સ્ટેશન ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને યુવકો ગાંધીનગરમાં બેઠા બેઠા કોલ સેન્ટર થકી અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપીને મેળવેલા રૂપિયા અન્ય એક અફઘાનિસ્તાની યુવક દ્વારા બીટકોઈન વોલેટમાં ટ્રાન્સ્ફર કરીને અમેરિકન નાગરિકોને ચૂનો ચોપડવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. ત્યારે આ અંગે ગાંધીનગર પોલીસને સૂચના મળી હતી કે, વૈષ્ણૌદેવી સર્કલ પાસે ખોરજ ખાતે એક ફ્લેટમાં કોલ સેન્ટર ચાલી રહ્યુ છે, જેમાં અમેરિકન નાગરિકોને લૂંટવામાં આવી રહ્યાં છે. ત્યારે પોલીસે આ બંને યુવકો પર 26 મેથી આ કોલ સેન્ટર પર વોચ રાખીને બેઠા હતા. ત્યારે આ દરમિયાન ગઈકાલે પોલીસે દરોડો પાડીને આ ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો.

જે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાનાં પગલે અડાલજ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવ દ્વારા સ્ટાફના માણસો સાથે વૈષ્ણોદેવી સર્કલ નજીક ખોરજ ખાતે ફલેટમાં ચાલતા ઇન્ટરનૅશનલ કોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, ઈબ્રાહીમો મોમાદ ઈકબાલ (મૂળ રહે. અફઘાનિસ્તાન) અને પાસુન મનલઈ (મૂળ રહે. મોઝાંબિક) ના રહેવાસી છે. બંને અમેરિકનો સાથે છેતરપીંડી કરતા હતા. પોલીસે દરોડા પાડીને વપરાશમાં લેવાતા લેપટોપથી લઈને તમામ ડેટા જપ્ત કર્યા હતા. જો કે પોલીસને જોઈને બે યુવાનોએ 13માં માળેથી બારીમાંથી લેપટોપ તેમજ મોબાઇલ ફોન નીચે ફેંકી દીધા હતા. પરંતુ પોલીસે ફોરેન્સિક યુફેડ વાઈસનીની મદદથી તૂટી ગયેલા લેપટોપ તેમજ મોબાઇલ માંથી ડેટા રીકવર કરી લીધો હતો.

પોલીસે ફલેટના 13 માં માળે આવેલ પેન્ટ હાઉસ નંબર એચ-1001માં દરોડા પાડ્યા હતા. અને ઇન્ટરનૅશનલ કોલ સેન્ટર ચલાવતા અફઘાની તેમજ મોઝાંબિક ના યુવાનોને ઝડપી લીધા હતા. પોલીસે બન્ને ફ્લેટની તલાશી કરતા અહીંથી 3 લેપટોપ, 4 મોબઈલ, 2 હાર્ડ ડિસ્ક, રાઉટર, ઇંગ્લિશમાં હિસાબ લખેલી ડાયરી અને 3 પેનડ્રાઈવ મળી આવ્યા હતા. અડાલજ પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ પેન ડ્રાઇવ તેમજ હાર્ડ ડિસ્કમાંથી અમેરિકન નાગરિકોના નામ, સરનામા, ફોન નંબર , બેંક એકાઉન્ટ સહિતનો ડેટા મળી આવ્યો હતો.

જો કે આ બને યુવકો અમેરિકન નંબર જેવા જ દેખાતા ફોન નંબરથી પેડે પ્રોસેસ સ્ક્રિપ્ટથી અમેરિકન નાગરિકોને કોલ કરીને લોનની લાલચ આપતા હતા. અને ત્યારબાદ અમેરિકન નાગરિકોના બેંકના એકાઉન્ટમાં નાણાં જમા કરાવતા હતા. ત્યારબાદ તેઓ અમેરિકન નાગરિકોને રૂપિયા રોકડમાં ઉપાડી લેવા અને બીટકોઈન એટીએમ પર ક્યુઆર કોડ સ્કેન કરી પરત જમા કરાવા કહેતા હતા. અને આ રૂપિયા જમા થયા બાદ તેમની લોન એપ્રુવ થશે તેવી ખાતરી આપી બીટકોઈન વોલેટમાં રૂપિયા જમા કરી તેને પ્રોસેસ કરી રોકડમાં ફેરવી લેતા હતા. આ સમગ્ર કૌભાંડ મૂળ અફઘાનિસ્તાનના યુસુફ મારફતે ચલાવવામાં આવતું હતું. જે ઈબ્રાહીમો અને પાસુનને પગાર પર રાખીને લીડ આપવાથી માંડીને બીટકોઈન વોલેટમાં નાણાં ટ્રાન્સફર કરવા માટેના ક્યુઆર કોડ પૂરા પાડવાનું કામ ત્યાં બેસીને કરતો હતો.

Scroll to Top