ગાંધીનગર: સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા શૈક્ષણિક સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સાત જેટલી યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ યોજનાનો ગુજરાતની 58 સવર્ણ જ્ઞાતિઓના દોઢ કરોડ લોકોને મળશે. આજે જાહેર કરાયેલી તમામ યોજનાઓ આ વર્ષે શરુ થયેલા શૈક્ષણિત સત્રથી જ લાગુ પડી જશે તેમ પણ નીતિન પટેલે જણાવ્યું હતું.
પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે રચેલા બિન અનામત વર્ગ દ્વારા કરાયેલી વિવિધ ભલામણોને ધ્યાનમાં લઈને સરકારે આ યોજનાઓ બનાવી છે. જેમાં ઉચ્ચ અભ્યાસ માટે 10 લાખ રુપિયાની ચાર ટકાના વ્યાજે લોન, વિદેશ અભ્યાસ માટે 15 લાખ રુપિયાની લોન આપવા સહિતની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
વિવિધ ખાનગી કે સરકારી હોસ્ટેલોમાં રહીને ભણતા સવર્ણ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાયની પણ સરકારે જાહેરાત કરી છે. કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રુપિયાથી ઓછી હોય તેવા સ્નાતક કક્ષાના સ્ટૂડન્ટ્સને સરકાર મહિને 1200 રુપિયા લેખે ભોજનબિલ સહાયતા મળશે. આ ઉપરાંત ધોરણ 9થી 12માં ભણતી વિદ્યાર્થિનીઓને પણ ફુડ બિલ સહાય મળશે.
ધોરણ 10માં 70થી વધુ ટકા મેળવેલા હોય અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા સવર્ણ વિદ્યાર્થીઓને સરકાર વાર્ષિક 15,000 રુપિયા ટ્યૂશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. પ્રાઈવેટ ટ્યૂશન કે કોચિંગ ક્લાસ માટે પણ આ સહાય મળશે. દરેક વર્ષમાં એક વાર આ સહાયતા વિદ્યાર્થીઓને મળશે.
ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, એન્જિનિયરિંગમાં એડમિશન માટે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા સ્ટૂડન્ટ્સને આ પરીક્ષાના કોચિંગ માટે પણ સરાકર સહાય કરશે. ધોરણ 10માં 70થી વધુ ટકા મેળવ્યા હોય તેવા સ્ટૂડન્ટ્સને સરકાર આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના કોચિંગની ફી અથવા 20,000 રુપિયા બંનેમાંથી જે ઓછું હોય તે ચૂકવશે.
સરકારી નોકરીઓ માટે જીપીએસસી તેમજ યુપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓ ઉપરાંત, ગૌણ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ તથા કેન્દ્ર સરકારની ભરતીની પરીક્ષાની તૈયારી કરવા માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં કોચિંગ લેતા તાલિમાર્થીઓને 20,000 રુપિયા સુધીની સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ 12માં 60થી વધુ ટકા અને કુટુંબની આવક મર્યાદા 3 લાખ સુધીની હોવી જરુરી છે.
સરકાર દ્વારા સવર્ણો માટે સ્વરોજગારલક્ષી યોજનાની પણ સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે. સરકાર રિક્ષા, વાન જેવા સ્વરોજગારલક્ષી વાહનો ઉપરાંત દુકાન, ઓફિસ કરવા માટે 10 લાખ રુપિયાની પાંચ ટકા વ્યાજ લેખે સહાયતા કરશે. આ ઉપરાંત, સ્નાતક થયેલા, વકીલ તેમજ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા યુવાનો પોતાનો વ્યવસાય કરવા ઈચ્છતા હોય તો સરકાર તેમને પણ પાંચ ટકાના વ્યાજ પર 10 લાખ સુધીની સહાય મળશે.