શાળાઓમાં ભગવદ ગીતાના પ્રસ્તાવ પર ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે સોમવારે શાળાઓમાં પ્રાર્થના કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓમાં ભગવદ ગીતાને શ્લોક પાઠના રૂપમાં રજૂ કરવાના પ્રસ્તાવને પડકારતી અરજી પર રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.

જોકે, હાઈકોર્ટે દરખાસ્ત પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો અને રાજ્ય સરકાર પાસેથી 18 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર નોટિસ જારી કરી છે.

અરજીમાં આ શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં પ્રાર્થના અને શ્લોકોનું પઠન વગેરે પ્રવૃત્તિઓના સ્વરૂપમાં શ્રીમદ ભગવદ ગીતાને રજૂ કરવાના પ્રસ્તાવને પડકારવામાં આવ્યો હતો. જમીયત ઉલેમા-એ-હિંદે બંધારણીય માન્યતાના આધારે પ્રસ્તાવને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ઉલ્લંઘન છે.

બેન્ચે અરજદારના વકીલને પીઆઈએલની નકલ મદદનીશ સોલિસિટર જનરલને આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો, કારણ કે કેન્દ્ર સરકારને પણ પ્રતિવાદી બનાવવામાં આવી છે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ આ વર્ષે માર્ચમાં ગુજરાતની શાળાઓમાં પ્રાર્થનાના સ્વરૂપમાં ભગવદ ગીતાનું પઠન અને શ્લોકોનું પઠન વગેરે જેવી પ્રવૃત્તિઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

Scroll to Top