આસામની કોકરાઝાર કોર્ટે સોમવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના તેમના ટ્વીટ સંબંધિત કેસમાં જામીન આપ્યા છે. જો કે આ કેસમાં જામીન મળ્યા બાદ આસામ પોલીસે તેમની ફરી ધરપકડ કરી છે. પોલીસે તેમના પર પોલીસ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. કોકરાઝાર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવના કાકોટીએ તેમને ઘણી શરતો સાથે જામીન આપ્યા હતા, જેની વિગતોની રાહ જોવાઈ રહી છે. સુનાવણી પછી મેવાણીને કોકરાઝાર જેલમાં પાછા લઈ જવામાં આવ્યા અને તેમના વકીલોએ કહ્યું કે જામીન બોન્ડ સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
મેવાણીની 19 એપ્રિલે ગુજરાતના પાલનપુર શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં તેમના એક ટ્વિટ અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી “ગોડસેને ભગવાન માને છે”.
વડગામના ધારાસભ્યને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કોકરાઝાર લાવવામાં આવ્યા હતા અને કોકરાઝારના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા 21 એપ્રિલના રોજ ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જો કે એક સમાચાર મુજબ જીગ્નેશ મેવાણીની ફરી એક અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમને ફરીથી કોકરાઝાર જિલ્લાના બારપેટા લઈ જવામાં આવી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર મેવાણીએ પોલીસ પર હુમલો કર્યો છે, જે કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણીને કોકરાઝારની અદાલતે એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. બુધવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.