ગુજરાત ATS દ્વારા BSF જવાન સજ્જાદની ધરપકડ, પાકિસ્તાન માટે કરી રહ્યો હતો જાસૂસી

ગુજરાતની ભુજ બટાલિયનમાં તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા કથિત રીતે પાકિસ્તાન માટે જાસૂસ તરીકે કામ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એટીએસના જણાવ્યા અનુસાર, જવાનને પડોશી દેશને વોટ્સએપ પર ગુપ્ત અને સંવેદનશીલ માહિતી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

ATSએ કહ્યું કે ધરપકડ કરાયેલ બીએસએફ જવાનની ઓળખ મોહમ્મદ સજ્જાદ તરીકે થઈ છે. તે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના રાજૌરી જિલ્લાના સરોલા ગામનો રહેવાસી છે. ભુજમાં બીએસએફની 74 બટાલિયનમાં તૈનાત હતા. સજ્જાદની ભુજના બીએસએફ હેડક્વાર્ટરમાંથી ધરપકડ કરવામાં આવી છે. સજ્જાદ 2012માં BSFમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયો હતો.

ભાઈ અને મિત્રના ખાતામાં પૈસા આવતા હતા: ATSએ કહ્યું કે પાકિસ્તાન ને માહિતી આપવાના બદલામા તે તેના ભાઈ વાજિદ અને સહયોગી ઈકબાલ રશીદના ખાતામાં પૈસા મેળવી રહ્યો હતો. સજ્જાદે તેનો પાસપોર્ટ જમ્મુની પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાંથી મેળવ્યો હતો. ATSએ કહ્યું કે આ જ પાસપોર્ટ પર તે 1 ડિસેમ્બર,2011 થી 16 જાન્યુઆરી, 2012 વચ્ચે 46 દિવસ માટે પાકિસ્તાન ગયો હતો. તે પાકિસ્તાન જવા માટે અટારી રેલવે સ્ટેશનથી સમજૌતા એક્સપ્રેસમાં ચડ્યો હતો.

સજ્જાદ બે-બે ફોનનો ઉપયોગ કરતો હતો: એટીએસના જણાવ્યા અનુસાર સજ્જાદ તેની પાસે બે-બે ફોન રાખતો હતો. તેના એક ફોન પર, તેણે છેલ્લે 14-15 જાન્યુઆરી, 2021ના રોજ સિમ કાર્ડ એક્ટિવેટ કર્યું હતું. તે નંબરનું સીડીઆર (કોલ ડેટા રેકોર્ડ) ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે સિમ કાર્ડ ત્રિપુરાના સત્યગોપાલ ઘોષના નામે નોંધાયેલું છે. તે નંબર પર બે કોલ આવ્યા હતા. 25 ડિસેમ્બર, 2020 ના રોજ સિમ નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું. એટીએસે જણાવ્યું હતું કે તે 26 ડિસેમ્બર, 2020 ના રોજ ફરીથી સક્રિય થયું હતું.

એટીએસ કહ્યું, “જાન્યુઆરી 15, 2021 ના રોજ જ્યારે નંબર એક્ટિવેટ થયો હતો ત્યારે એક SMS 12:38:51 વાગ્યે પ્રાપ્ત થયો હતો. આ SMS કઈક OTP ના સ્વરૂપમાં હતો.અને પછી નંબર નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. ”

વોટ્સએપ માટે OTP પાકિસ્તાનને મોકલવામાં આવ્યો: ATSએ જણાવ્યું કે આરોપીએ આ નંબર પર OTP મેળવ્યો અને તેને પાકિસ્તાન મોકલ્યો જ્યાં તેણે વોટ્સએપ એક્ટિવેટ કર્યું જેના દ્વારા તે ભારતની ગુપ્ત માહિતી મોકલતો હતો. ATSએ કહ્યું કે વોટ્સએપ હજુ પણ સક્રિય છે અને તેનો ઉપયોગ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે જે સજ્જાદના સંપર્કમાં હતો.

ATS અધિકારીઓએ જણાવ્યું કે, સજ્જાદે ખોટી જન્મતારીખ આપીને BSFને ગેરમાર્ગે દોર્યું હતું. તેના આધાર કાર્ડ મુજબ તેનો જન્મ 1 જાન્યુઆરી, 1992ના રોજ થયો હતો, પરંતુ તેના પાસપોર્ટની વિગતોમાં જન્મ તારીખ 30 જાન્યુઆરી, 1985 હતી. એટીએસે જણાવ્યું હતું કે, સજ્જાદના કબજામાંથી બે મોબાઈલ ફોન, તેનું સિમ કાર્ડ, બે ફાજલ સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલુ છે.

Scroll to Top