આગામી થોડા સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે ત્યારે રાજ્યમાં આમ આદમી પાર્ટી, કોગ્રેસ અને ભાજપ પણ પોતાપોતાના કામને લઇ જનતા વચ્ચે જઇ રહ્યા છે. ત્યારે રાજ્યમાં રાજકારણમાં હાલ ગરમાયેલું છે. એક બાજુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ચર્ચા થઇ રહી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. રાજ્યના ત્રણેય મોટા પક્ષોની નજર હાલમાં નરેશ પટેલ પર છે. ત્યાં જ નરેશ પટેલ કઇ પાર્ટીમાં જશે તેને લઇ હજુ સુધી કોઇ ચોખવટ થઇ શકી નથી. એવામાં છેલ્લા એક અઠવાડિયામાં નરેશ પટેલ ત્રીજીવાર ભાજપના નેતાઓ સાથે દેખાતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજાના યજમાનપદે ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ચાર દિવસમાં નરેશ પટેલની બીજીવાર હાજરી આપી છે. આ દરમિયાન અહીં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર હતા. આ દૃશ્યો બાદ ચર્ચા શરૂ થઈ છે કે શું નરેશ પટેલ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે.?
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન નરેશ પટેલે જામનગરમાં બીજીવાર હાજરી આપી છે. તેમના પુત્ર શિવરાજ પટેલે પણ મંગળવારે રાત્રે જામનગરમાં યોજાયેલા લોકડાયરામાં હાજરી આપી હતી.
અગાઉ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. પોથીયાત્રા દરમિયાન નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા.
નરેશ પટેલ કયા પક્ષમાં જો઼ડાશે તેનું સસ્પેન્સ હજુ પણ યથાવત્ છે. આજે જ્યારે તેમને ભાજપમાં જોડાશે કે નહીં એ અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે કયા પક્ષમાં જોડાવવું એ અંગે હજી નિર્ણય નથી કરાયો, એટલે કે નરેશ પટેલે કૉંગ્રેસ અને આપની સાથે ભાજપમાં જોડાવવાના પણ તેમના દરવાજા ખુલ્લા રાખ્યા છે.