ગુજરાત રમખાણોઃ સુપ્રીમકોર્ટે અરજી ફગાવી, પીએમ મોદીને ક્લીનચીટ અકબંધ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપનાર SITના રિપોર્ટને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ અરજી મેન્ટેનેબલ નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો થયા હતા અને રમખાણોની તપાસ માટે રચાયેલી SITએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. વડાપ્રધાન મોદીની સાથે અન્ય 63 લોકોને પણ રમખાણોમાં તેમની ભૂમિકા બદલ ક્લીનચીટ આપવામાં આવી હતી.

જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો.

ગુજરાત હાઈકોર્ટે SITના રિપોર્ટ સામે ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી. આ પછી ઝાકિયા જાફરીએ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઝાકિયા જાફરી કોંગ્રેસના નેતા એહસાન જાફરીના પત્ની છે. ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલી હિંસામાં અહેસાન જાફરીની હત્યા કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન SIT તરફથી હાજર રહેલા મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું હતું કે આ અરજી સિવાય 2002ના ગુજરાત રમખાણોની SITની તપાસ અંગે કોઈએ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી.

મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી પર નીચલી અદાલત અને ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને આગળ વધારવો જોઈએ, નહીં તો આ પ્રક્રિયા ક્યારેય સમાપ્ત થશે નહીં અને તેની પાછળ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડનો કોઈ હેતુ છે. આ કેસમાં તિસ્તા સેતલવાડ પણ અરજદાર છે.

જ્યારે ઝાકિયા જાફરીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે SITએ રમખાણોની તપાસ કરી નથી અને SITની તપાસ રમખાણોના ગુનેગારોને બચાવવામાં છટકબારીઓથી ભરેલી છે.

2014માં ઝાકિયા જાફરીએ SITના રિપોર્ટ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય 63 લોકોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને યથાવત રાખી હતી.

અગાઉ નીચલી અદાલતે પણ ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી.

શું હતી માંગ?
ઝાકિયા જાફરીએ પોતાની અરજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અમલદારો સહિત 64 લોકોને 2002ના રમખાણોનું કાવતરું ઘડવા બદલ આરોપી બનાવવાની માંગ કરી હતી. તેણે રમખાણોની પુનઃ તપાસની માંગ કરી હતી. 2011માં સુપ્રીમ કોર્ટે ગુલબર્ગ સોસાયટી રમખાણોને નીચલી કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

Scroll to Top