વિજય રૂપાણી બાદ કોણ બનશે ગુજરાતના આગામી મુખ્યમંત્રી? આજે વિધાનસભા પક્ષની બેઠકમાં નિર્ણય

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રી ચહેરાની શોધ તેજ થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે રવિવારે યોજાનારી વિધાનસભા પક્ષની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના આશરે દોઢ વર્ષ પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022 માં યોજાવાની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ગુજરાતની મુલાકાતે આવશે. વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપશે.

વિધાનસભા પક્ષની બેઠકમાં કરવામાં આવશે નવા નામની જાહેરાત

કોરોના વાયરસ મહામારી દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં રાજીનામું આપનાર ચોથા મુખ્યમંત્રી રૂપાણી (65) એ ડિસેમ્બર 2017 માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રૂપાણીના રાજીનામાની જાહેરાત થયા બાદ તરત જ ભાજપના મહામંત્રી (સંગઠન) બી.એલ. સંતોષ અને ગુજરાત રાજ્ય એકમના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પાર્ટીના કાર્યકરોને મળ્યા. પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે યોજાનારી વિધાનસભા પક્ષની બેઠકમાં રૂપાણીના અનુગામીના મુદ્દે ચર્ચા થશે.

રૂપાણી પછી આ નામો પર ચર્ચા

વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યમંત્રી પદ માટે ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ તેજ બની છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ પટેલને પણ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

ત્રણ મહિનામાં બદલાયા ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી

ભાજપે ત્રણ મહિનામાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યા છે. કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાની જગ્યાએ ભાજપ બસવરાજ બોમ્માઈને લાવ્યા. જયારે, ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતને બદલે તીરથ સિંહ રાવતને સીએમ બનાવવામાં આવ્યા અને પછી પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી. તિરથ સિંહ રાવતે 2 જુલાઈએ રાજીનામું આપ્યું હતું, જ્યારે યેદિયુરપ્પાએ 26 જુલાઈએ રાજીનામું આપ્યું હતું.

Scroll to Top