EntertainmentGujarat

ગુજરાતી ફિલ્મ ‘ઢ’ ને મળ્યો નેશનલ એવોર્ડ, જાણો ફિલ્મ વિશેની કેટલીક અજાણી વાતો

65મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ છે, જેમાં મનીષ સૈનીની ‘ઢ’ સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ બની છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મમાં સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત છે. જોકે ફિલ્મ હજી થિયેટરમાં રિલીઝ થવાની બાકી છે.

આ ફિલ્મ ભવન્સ કોલેજમાં ઊભા કરાયેલા સેટ પર ત્રણ સતત 12 – 12 કલાક કામ કરીને તૈયાર કરવામાં આવી હતી, જેમાં એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ સૈનીનું દિગ્દર્શન છે. આ ફિલ્મમાં નસિરુદ્દીન શાહ એક જાદુગરની ભૂમિકામાં છે. આ પહેલાં 2017માં ‘રોંગ સાઇડ રાજુ’ને પણ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

આ સિવાય હિન્દી ફિલ્મ ‘ન્યૂટન’માં ઉમદા અભિનય બદલ પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ‘ન્યૂટન’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ‘મોમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ‘બાહુબલી’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મ, બેસ્ટ એક્શન ડિરેક્શન અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ મૂવીનો એવોર્ડ મળ્યો છે.

મૂળ હરિયાણા અને હાલ અમદાવાદના પાલડીમાં રહેતા મનીષ સૈની એનઆઈડીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. આ ફિલ્મનું બજેટ બે કરોડ જેટલું હતું. અભ્યાસ દરમિયાન જ તેમણે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મ માટે જ્યારે નસીરુદ્દીન સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે ફિલ્મ માટે સારી સ્ટોરી હોવાનું કહ્યું હતું, ત્યાર બાદ તેમણે ફિલ્મમાં કામ કરવા સંમતિ આપી હતી.

ગુજરાતી ફિલ્મ ‘ઢ’ વિશેની કેટલીક અજાણી વાતો

ફિલ્મનું ટ્રેલર જોશો તો ખબર પડશે કે આ વાર્તા ઘણી જ અલગ છે. એવા ત્રણ મિત્રો જે ભણવામાં ‘ઢ’ છે અને પરિક્ષામાં પાસ થવા માટે જાદુગરનાં સહારો લેવા જાય છે. કારણ છે આ ત્રણેય બાળકોને કહેવામાં આવે છે કે જો તમે આ વર્ષે પાસ નહીં થાવો તો તમને ત્રણેયને અલગ કરી દેવામાં આવશે.

દાદાએ શિખવ્યો જીવનનો જાદુ

હવે આ ત્રણેય મિત્રો એક વખત જાદુગરનો ખેલ જોવા જાય છે અને પછી તેઓ આ જાદુની મોહમાયામાં ગૂમ થઇ જાય છે. ત્રણેય એવું જ વિચરાવા લાગે છે કે આ જીવનમાં જાદુથી બધુ જ થઇ જાય છે. ત્યારે તેમનો આ ભ્રમ દૂર કરે છે તેમનાં દાદા. આ ફિલ્મમાં મહત્વનું પાત્ર છે દાદાનું. આ દાદા જે ફિલ્મમાં ત્રણેય બાળ મિત્રોને જીંદગીનાં પાઠ સરસ જાદુથી ભણાવે છે. ત્રણેય મિત્રોને સાચા રસ્તે વાળવા માટે સાચો જાદુ આ દાદા જ શીખવે છે.

નસીરુદ્દિન શાહનું છે મહત્વનું પાત્ર

ફિલ્મમાં નસીરુદ્દિન શાહ એક જાદુગરની ભૂમિકામાં નજર આવે છે. જોકે આ ફિલ્મનો ભાગ બનાવવા માટે ફિલ્મ મેકર્સે ખુબ ધક્કા ખાધા છે. જી હાં. તેમની અપોઇન્ટમેન્ટ  માટે જ કલાકો રાહ જોઇ છે. પણ એક વખત નાસીર સરે જ્યારે ફિલ્મની વાર્તા સાંભળી ત્યારે તેમણે વગર રૂપિયે આ ફિલ્મનો ભાગ બનવાની હા પાડી દીધી હતી.

અમદાવાદ, વિસનગર, મહેસાણામાં થયુ શૂટિંગ

‘ઢ’ ફિલ્મ બનવામાં પણ ઘણો સમય લાગ્યો આ કોઇ કોમર્શઇયલ ફિલ્મ ન હતી. ફિલ્મને અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે. ત્યારે ફિલ્મનાં શૂટિંગની વાત કરીએ તો ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ શહેરમાં જ થયુ છે. આ સાથે જ વિસનગર અને મહેસાણામા પણ ફિલ્મનું થોડુ શૂટિંગ થયુ છે.

હરિયાણવી મનિષ સૈનીએ કર્યુ છે ફિલ્મનું નિર્દેશન

આ ફિલ્મનું નિર્માણ, નિર્દેશન અને લેખન મનિષ સૈનીએ કર્યું છે. ફિલ્મને મળેલા આ એવોર્ડથી ડિરેક્ટર મનિષ સૈની ખુબ ખુશ છે. હાલ અમદાવાદના પાલડી વિસ્તારમાં તેઓ રહે છે. આ ફિલ્મનું બજેટ 2 કરોડ રૂપિયા છે.

ફિલ્મની 90 ટકા સ્ટારકાસ્ટની પહેલી ફિલ્મ

‘ઢ’ ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મની મોટાભાગની સ્ટાર કાસ્ટ એટલે કે 90 ટકા જેટલી સ્ટાર કાસ્ટની આ પહેલી ફિલ્મ છે. અને તેમામે તેમનું કામ દિલથી નીભાવ્યું છે.

ફિલ્મ સાથે સંકળાયેલા છે અનેક ધુરંધરો

‘ઢ’ ફિલ્મમાં ‘પદ્માવત’ના સાઉન્ડ ડિઝાઈનર બિશ્વદીપ ચેટર્જી પણ છે. તેમજ ‘શ્વાસ’ જેવી ફિલ્મ એડિટ કરનારા નિરજ વરાલિયા પણ ફિલ્મ સાથે જોડાઈ ગયા હતા. આમ ફિલ્મ સાથે સારા સારા લોકો જોડાતા ગયા.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker