અમદાવાદઃ ગુજરાતના ખેડૂતોના દેવાં માફી મામલે 17 દિવસથી ઉપવાસ પર ઉતરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની માંગણી અંગે સરકાર હજુ કોઈ વિચારણા કરી શકી નથી, કારણ કે ગુજરાતના ખેડૂતોની દેવાં માફી કરવામાં આવે તો ગુજરાત સરકારના કુલ બજેટના લગભગ 45 ટકા જેટલી રકમ માફ કરવી પડે તેમ છે.
રાજ્ય સરકારના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યના 58 લાખ 71 હજાર પરિવાર પૈકી 39 લાખ 20 હજાર પરિવારો ખેતી પર નિર્ભર છે. જેમાંથી 16 લાખ 74 હજાર ખેડૂત કુટુંબોએ ખેતી માટે લોન લીધી છે. આમ ગુજરાતના 42.6 ખેડૂત પરિવારો દેવાના બોજા નીચે દબાયેલા છે. જેમાં ખેડૂત દીઠ સરેરાશ માસિક આવક રૂપિયા 7,926ની સામે માથાદીઠ દેવું 38,100 રૂપિયા છે.
આ કારણે દેવાગ્રસ્ત થાય છે ખેડૂતો
રાજ્યના ખેડૂતોને ખેતી કરવા માટે કુલ બીજ, ખાતર, જંતુ નાશક દવાઓ તથા ટ્રેક્ટરનું ભાડું, સિંચાઈનો ખર્ચ, વીજ બિલ, બિયારણ ખરીદવા મૂડી ખર્ચ અને ધિરાણ ઉપરાંત કુટુંબની મહેનત અને ખેત મજૂરોને મજૂરી તથા ભાગ્યા પદ્ધતિમાં ખેતી થતી હોય તો જમીનનું ભાડું તથા અન્ય ધિરાણ માટે વ્યાજના ખર્ચ સામે ઉપજના વ્યાજબી ન મળવાને કારણે ખેડૂત દેવાગ્રસ્ત થાય છે.
ખેડૂતોને ઉપજના પૂરતા ભાવ મળે તે માટે સ્વામીનાથન સમિતિ દ્વારા ભલામણ થયેલ ઉપજ માટે કુલ ખર્ચ પર 50 ટકા વધારે આપવામાં આવે તો ખેડૂતોને ઉપજના ન્યાયિક ભાવ મળે અને ખેડૂત દેવામુક્ત બની શકે.
દેવા મામલે દેશભરમાં ગુજરાત 14માં ક્રમે અને આવક મામલે 12માં નંબર પર
દેશમાં સૌથી વધુ દેવાંમાં ફસાયેલ ખેડૂતો મામલે આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમાંકે છે, જ્યાંના 92.9 ટકા ખેડૂત પરિવાર દેવાદાર છે. જ્યારે દેવા મામલે ગુજરાત 14માં ક્રમાંકે છે. તો બીજી તરફ
ખેડૂતોની પારિવારીક આવક મામલે ગુજરાત 12માં ક્રમે છે. પંજાબમાં ખેડૂત પરિવારની માસિક આવક 18,059 રૂપિયા છે, તો હરીયાણામાં 14,434 અને કાશ્મીરમાં 12,683 રૂપિયા માસિક આવક છે. જ્યારે કેરળમાં ખેડૂતોની માસિક આવક રૂપિયા 11, 888, મેઘાલયના ખેડૂતોની માસિક આવક 11,792 અને ગુજરાતના ખેડૂતોની માસિક આવક 7926 રૂપિયા છે.
નાના કરતા મોટા ખેડૂતો પર વધુ દેવું
ગુજરાતમાં ૦.૦1 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવારો પર 6,900નું દેવું છે. જ્યારે ૦.40 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂત પરિવારનુ દેવું 12 હજાર છે. એક હેક્ટર સુધી
જમીન ધરાવતા ખેડૂત પરિવારનું દેવું 24,700 છે. જ્યારે એકથી બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારનું દેવું 31 હજાર છે. 2થી 4 હેક્ટર જમીન ધરાવતા ખેડૂત પરિવારનુ દેવું 82 હજાર છે. તેમજ 4થી 10 હેક્ટર જમીન ધરાવતા ખેડૂત પરિવારનુ દેવુ 1.14 લાખ રૂપિયા છે