ગુજરાત ભાજપના ટોચના નેતાના ભત્રીજાએ બીટકોઈન વટાવી 12 કરોડ અપાવ્યા, જાણો વિગત

છેલ્લા કેટલાંય દિવસોથી બિટકોઈન કેસમાં નવો-નવો વળાંક આવી રહ્યો છે ત્યારે સુરતના બિલ્ડરનું અપહરણ કરીને બાર કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરાવ્યા બાદ એલસીબી પીઆઈની ટીમ અમરેલી પહોંચી હતી અને ત્યાર બાદ અમરેલી પોલીસનો વહીવટદાર તેમજ અન્ય એક પોલીસ જવાન અમદાવાદ પહોંચ્યા હતાં અને અમદાવાદથી હવાઈ માર્ગે મુંબઈ પહોંચીને આ બાર કરોડના બીટકોઈન રૂપિયામાં રૂપાંતરિત કરાવ્યા હતાં.

મુબંઈથી પરત અમરેલી પહોંચીને બાર કરોડના ભાગ પાડવામાં આવ્યા હતાં. સીઆઈડી ક્રાઈમ આ મામલે તપાસ કરી રહી છે ત્યારે આગામી સમયમાં તોડબાજીમાં આ નવી વાતનો પણ ઘટસ્ફોટ થશે તેવું સુત્રો જણાવી રહ્યા છે જેમાં ગુજરાત ભાજપના એક ટોચના નેતાનું નામ પણ બહાર આવી રહ્યું છે. ભાજપના નેતાના ભત્રીજાએ બીટકોઈન વટાવીને 12 કરોડ અપાવ્યા હતાં.

ગુજરાત પોલીસની આબરૂના લીરા ઉડાવનાર બીટકોઈન તોડબાજી કેસમાં હવે પોલીસ અને સરકાર મોડે-મોડે જાગી છે ત્યારે આ મામલે સીઆઈડી ક્રાઈમ એસઆઈટી બનાવીને તપાસ કરી રહી છે. હજુ સુધી 11 પૈકી ત્રણ આરોપીઓ જ પકડાયા છે ત્યારે એલસીબી પીઆઈ અનંત પટેલ સહિતના આરોપીઓની શોધખોળ શરૂ છે.

સીઆઈડી ક્રાઈમ બીટકોઈન ટ્રાન્સફર થયાની વાતને ભલે સમર્થન ના આપતું હોય પરંતુ અમરેલી પોલીસના વહીવટદારે અન્ય એક પોલીસ જવાન સાથે મુંબઈ જઈને આ બીટકોઈનનું રૂપિયામાં રૂપાંતર કર્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ઈસ્પેક્ટર અનંત પટેલે આ બીટકોઈન ટ્રાન્સફર કરાવીને અમરેલી તરફ દોડી આવ્યા હતાં ત્યારે અમરેલી પોલીસના કહેવાતા વહીવટદાર ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધમો તેમજ આ ઘટનામાં જેને આરોપી બનાવાયા છે તે કોન્સ્ટેબલ જગદીશ જનકાણી રોડ માર્ગે અમરેલીથી અમદાવાદ આવ્યા હતાં ત્યાર બાદ અમદાવાદથી હવાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા હતાં.

અમરેલી ભાજપના એક મોટા નેતાના ભત્રીજાની મદદથી આ બીટકોઈનનું રૂપિયામાં રૂપાંતરણ કરવામાં આવ્યું હતું ત્યાંથી પરત મુંબઈથી ભરૂચ પહોંચ્યા હતાં. ભરૂચ પહોંચ્યા બાદ અમરેલી એલસીબીની કારમાં તેઓ અમરેલી જવા માટે રવાના થયા હતા જ્યાં આ બાર કરોડ રૂપિયાના ભાગ પાડવામાં આવ્યા હતાં.

12 કરોડના ભાગ પાડવામાં આવ્યા તેમાં અનંત પટેલ અઢી કરોડ અને ભાજપના નેતાને અઢી કરોડ તેમજ સાત કરોડ રૂપિયા અન્ય એક પોલીસ અધિકારીને આપવામાં આવ્યા હતાં. હવે આ મામલે સીઆઈડી ક્રાઈમ તપાસ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. જો અમરેલી પોલીસનો વહીવટદાર મુંબઈ હવાઈ માર્ગે ગયો હતો કે નહીં તે જાણવા મળે તો પણ બીટકોઈનનું રૂપિયામાં રૂપાંતર થવાની વાતને સમર્થન મળી શકે છે.

આટલી મોટી તોડબાજીની ઘટનામાં એક પોલીસ ઈસ્પેક્ટરની હિંમત હોય તેવું લાગી રહ્યું નથી. તેની પાછળ અન્ય મોટા પોલીસ અધિકારીઓ પણ હોવાની શક્યતા છે. આગામી સમયમાં સીઆઈડી ક્રાઈમ આ 11 આરોપીઓ ઉપરાંત આ કેસમાં પોલીસ અધિકારીઓ સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરે તેવી શક્યતા નથી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here