આ ખેલાડીને ફ્લાઇટ છોડવી ભારે પડી ગઇ, ટી-20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થઈ ગયો

ટી20 વર્લ્ડ કપ 2022: આગામી બે અઠવાડિયામાં ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ માટે તમામ 16 દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. એવા ઘણા સ્ટાર ખેલાડી છે, જેઓ ઈજા કે અંગત કારણોસર ટીમની બહાર થઈ ગયા છે.

પરંતુ હવે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે તેમની ટીમ જાહેર કરી દીધી હતી, પરંતુ જ્યારે તેઓ ઓસ્ટ્રેલિયા જવાના હતા ત્યારે એક ખેલાડી સમયસર પહોંચી શક્યો ન હતો અને તેની ફ્લાઈટ ચૂકી ગઈ હતી.

હેટમાયરની જગ્યાએ બ્રુક્સ

તે ખેલાડીને એટલી મોટી સજા મળી કે તે વર્લ્ડ કપની ટીમમાંથી બહાર ફેંકાઈ ગયો. આ ખેલાડી છે સ્ટાર બેટ્સમેન શિમરોન હેટમાયર. હેટમાયર હવે પોતાની ભૂલને કારણે વર્લ્ડ કપમાં રમવાની તક ગુમાવી ચૂક્યો છે. જો તે સમયસર એરપોર્ટ પહોંચી ગયો હોત અને ફ્લાઇટમાં હાજર થયો હોત તો તેને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર ન થવું પડત.

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ (CWI) એ પણ શિમરોન હેટમાયરના આઉટ થયા બાદ તરત જ તેના સ્થાનની જાહેરાત કરી હતી. કેરેબિયન બોર્ડે હેટમાયરની જગ્યાએ શમરાહ બ્રૂક્સને ટીમમાં સામેલ કર્યો છે.

કૌટુંબિક કારણોસર ફ્લાઇટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી

વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે શિમરોન હેટમાયર અગાઉ ઑક્ટોબર 1ના રોજ ઑસ્ટ્રેલિયા જવાનો હતો પરંતુ તેણે પારિવારિક કારણોસર કેટલાક ફેરફારોની વિનંતી કરી હતી.

આ પછી તેની ફ્લાઈટ 3 ઓક્ટોબર માટે રિશેડ્યૂલ કરવામાં આવી હતી પરંતુ આ વખતે તે ફ્લાઈટ ચૂકી ગયો હતો. હેટમાયરે વિન્ડીઝ બોર્ડના ડિરેક્ટરને પહેલેથી જ કહ્યું હતું કે તે સમયસર એરપોર્ટ પર પહોંચી શકશે નહીં. આવી સ્થિતિમાં સિલેક્શન પેનલે તેને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો