પ્રેમલગ્ન થયા બાદ યુવક કે યુવતી પોતાના ભૂતપૂર્વ પાર્ટનરને હેરાન કરતા હોવાની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. તેવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. જેમાં યુવતીએ પરિવારના દબાણથી સંબંધ તોડી નાંખ્યા હોવાના કારણે યુવક દ્વારા તેને હેરાન કરવામાં આવી હતી. તેને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેનાર અને એમએસસીના અભ્યાસ સાથે શિક્ષિકાની નોકરી કરનાર 22 વર્ષીય યુવતીને તેના ભૂતપૂર્વ પ્રેમીએ હાથ પર બ્લેડ વડે લોહી કાઢીને તેના ફોટોસ મોકલ્યા અને તે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપવા લાગ્યો હતો. જેના કારણે યુવતીએ હેરાન થઈને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
મૂળ સૌરાષ્ટ્રની 22 વર્ષીય યુવતી હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. તે એમએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરવાની સાથે પરવત પાટિયાની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી ફરજ બજાવે છે. ત્રણ વર્ષ અગાઉ તે પોતાના પરિવાર સાથે ધારીમાં એક લગ્નના સંદર્ભમાં ત્યાં ગઈ હતી. ત્યારે તેની મુલાકાત તેની દૂરના ફોઈના દિકરા નિર્ભય રાઠોડ સાથે થઈ હતી જે અમરેલી જિલ્લાના દહીડા ગામનો રહેવાસી છે. નિર્ભય રાઠોડ સાથે મુલાકાત થયા બાદ બંનેએ મોબાઈલ નંબરની આપલે પણ કરી લીધી હતી અને તેમના વચ્ચે વાતચીતનો સિલસિલો શરુ થઈ ગયો હતો.
એક વર્ષ બાદ નિર્ભય દ્વારા પ્રપોઝ કરતા યુવતીએ તેનો સ્વીકાર કરી લીધો હતો. બાદમાં બંને જણા હરવા ફરવા પણ લાગ્યા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની જાણ યુવતીના માતા-પિતાને થઈ ગઈ હતી. તેમણે યુવતીને કહ્યું કે, છોકરો સારો નથી અને સંબંધ તોડાવી નાખ્યો હતો. યુવતીએ સંબંધો પૂર્ણ થઈ ગયા હોવાનું કહ્યા બાદ પણ નિર્ભયે તેનો પીછો કરવાનું છોડ્યું નહોતું. તે અવાર નવાર તેના ઘરની નજીક ઊભો રહી જતો હતો અને યુવતી આવે ત્યારે તેનો પીછો પણ કરતો હતો.
ત્યાર બાદ તે મારી સાથે કેમ બોલતી નથી તેમ કહીને હાથ પર બ્લેડ મારી લોહી નીકળતું હોય તેવા ફોટોસ વોટ્સએપ પર મોકલીને મરી જવાની ધમકી આપતો હતો. યુવતીએ તેને આવું ન કરવાનું સમજાવ્યું હતું કે તે હવે સંબંધ રાખવા ઈચ્છતી નથી તેમ પણ સમજાવ્યું હતું. જોકે, નિર્ભય પર તેની કોઈ અસર થઈ ન હતી અને તેણે હેરાનગતિ ચાલું રાખી હતી. અંતે શીતલે પોલીસ ફરિયાદ કરી હતી. સરથાણા પોલીસે નિર્ભય વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.