વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી છે. રાજકોટમાં આજે 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બન્ને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખુબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. ત્યારે હવે આ બેઠકને લઈ સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઇને પણ મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રશાંત કિશોરની એન્ટ્રીથી નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી છે. મહત્વનું છે કે, ગુજરાત બહાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની પણ બેઠક થઇ ચૂકી છે. નરેશ પટેલ સત્તાવાર આ વાત પણ સ્વીકારી ચુક્યા છે.
હાર્દિક પટેલે અગાઉ પણ જણાવ્યું હતું કે ભાજપ કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવા અથવા તો તેને પોતાની તરફ ખેંચવા માટે આક્રમક હોય છે, પરંતુ કોંગ્રેસમાં માત્ર વાતો થઈ રહી છે. છેલ્લા બે મહિનાથી નરેશભાઈને કોંગ્રેસમાં લેવા માટેની ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસના કેટલાક કહેવાતા નેતાઓ એવું કહે છે કે નરેશ પટેલે ડિમાન્ડ રાખી છે, પરંતુ હું કહું છું કે નરેશભાઈએ કોઈ ડિમાન્ડ રાખી નથી. કોંગ્રેસને કોઈ સમાજનું અપમાન કરવાનો અધિકાર નથી, જેથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવો જોઈએ.