હાર્દિકના પારણાં પાછળનું સત્ય, લેઉવા-કડવાની કડવાશ અટકાવવા આગેવાનોએ પાર પાડ્યું ‘ઓપરેશન’

અમદાવાદઃ પાટીદાર અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે 19 દિવસના આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને સમાજના આગેવાનો દ્વારા પારણા કરાવવામાં આવ્યા, પરંતુ હાર્દિકની એકપણ માંગણી સરકારે સ્વીકારી ન હોવાછતાં પારણાં કરવા પાછળ સમાજમાં એક એવી પણ છબિ ઉભી થઈ છે કે, હાર્દિકના ઉપવાસ દરમિયાન સમાજના લેઉવા-કડવા પાટીદારની એકતા તૂટી જાય એવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી પાટીદાર એકતા જાળવી રાખવા માટે સમાજની 6 સંસ્થાઓએ હાર્દિક પર દબાણ કરીને બિન શરતી પારણા કરાવવા પડ્યા હતા.

હાર્દિકને સમજાવવા માટે અનેક પ્રયાસો કર્યા છતાં માનતો નહોતો

પાટીદાર અનામત આંદોલનના સાડા ત્રણ વર્ષ દરમિયાન હાર્દિક પટેલ અને તેના સાથીઓ દ્વારા સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની સતત અવગણના કરવામાં આવતી હતી. આમ છતાં સમાજની સંસ્થાઓએ પાટીદારના દીકરા તરીકે હાર્દિક પટેલને સમજાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, તેમ છતાં હાર્દિક માનતો નહોતો.

પાટીદાર અનામત અને ખેડૂતોની દેવાં માફીના મુદ્દા સાથે ગત 25 ઓગસ્ટથી આમરણ ઉપવાસ પર ઉતરેલા હાર્દિકની તબિયત લથડતા સમાજના આગેવાનોએ મધ્યસ્થી બનવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આ દરમિયાન પણ હાર્દિકના સાથીઓએ આગેવાનોનું અપમાન અને ગેરવર્તણૂંક કરી હતી. હાર્દિકના 19 દિવસના ઉપવાસ દરમિયાન સમાજના આગેવાનો અને સમાજની દ્રષ્ટીએ જોવામાં આવે તો ઉપવાસના છઠ્ઠા દિવસે હાર્દિકે એસ.પી.સ્વામીના હાથે પાણી પીને જળ ત્યાગ મુક્યો હતો.

હાર્દિક અને તેના સાથીઓના વર્તનથી લેઉવા-કડવા પાટીદારના આગેવાનોની લાગણી દુભાઈ

ત્યાર બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાન અને કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠી સી.કે. પટેલ દ્વારા હાર્દિકના ઉપવાસ મુદ્દે સામેથી મધ્યસ્થી કરવા માટે પહેલ કરી હતી. પરંતુ હાર્દિકના સાથી મનોજ પનારાએ સી.કે. પટેલ સામે બેફામ આક્ષેપો કર્યા હતા, માત્ર એટલું જ નહીં, સી.કે. પટેલ સામે સમાજના કેટલાક યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

જેથી સમગ્ર કડવા પાટીદાર સમાજની લાગણી દુભાઈ હતી. ત્યાર બાદ ખોડલધામના આગેવાન તથા લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠી એવા નરેશ પટેલ મધ્યસ્થી કરવા માટે તૈયાર થયા હતા અને તેઓએ હાર્દિકને પારણાં કરવા તથા પાણી પીવા માટે અનેકવાર સમજાવ્યો હતો.પરંતુ હાર્દિક નરેશ પટેલની સમજાવટને માનવાને બદલે રાજકીય નેતા શરદ યાદવના હાથે પાણી પીને જળ ત્યાગ ફરીવાર છોડતા, લેઉવા પટેલ સમાજમાં પણ હાર્દિકના આ પ્રકારના વર્તનથી લાગણી દુભાઈ હતી.

લેઉવા-કડવા પાટીદારમાં ભાગલા પડતા અટકાવવા હાર્દિકને કરાવ્યા પારણાં

આમ આમરણાંત ઉપવાસ દરમિયાન હાર્દિક પટેલના વર્તન અને તેના સાથીઓની વાણીને કારણે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનોની લાગણી દુભાતા સમાજમાં કડવાશ ઉભી થઈ હતી, અને આ કડવાશ વધે અને ફરી એકવાર ભૂતકાળની જેમ લેઉવા અને કડવા પાટીદારમાં ભાગલા પડી જાય એવી સ્થિતિ સર્જાઈ હતી.

જેને લઈને પાટીદાર સમાજની તમામ છ સંસ્થાના આગેવાનોએ ગુપ્ત બેઠક કરીને હાર્દિક પટેલના કારણે સમાજમાં ક્યાંય કડવાશ ઉભી ન થાય તે માટેના પ્રયાસો શરૂ કરી, હાર્દિકને દબાણ કરીને પારણાં કરવા માટે સમજાવ્યો હતો.

જેથી હાર્દિક પટેલના પારણાં દરમિયાન તમામ છ સંસ્થાના 4-4 પ્રતિનિધિઓ જેમાં ખાસ કરીને સમાજના મોભીઓ એવા પ્રહલાદભાઈ પટેલ, મણિભાઈ પટેલને ખાસ હાજર રાખીને પાટીદાર સમાજની એકતા બતાવી હતી અને પારણાં દરમિયાન પણ હાર્દિકે જાહેર કરવું પડ્યું હતું કે, સમાજના આગેવાનોની સમજાવટથી અને સમાજને એક રાખવાના હેતુથી પારણાં કર્યા હતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top