AhmedabadGujaratNewsPolitics

તો આ કારણે હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ તોડવા પડ્યા…જાણો વિગતે

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બનીને છેલ્લા લગભગ 3 વર્ષમાં ઝડપથી ઊભરેલો હાર્દિક પટેલ ધીરે-ધીરે પોતાની અસર ગુમાવતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં ઉથલ-પાથલ મચાવનારા હાર્દિકે જ્યારે ગુરુવારે પોતાના ઉપવાસ તોડ્યા તો કોઈ રાજકીય પક્ષના નેતા તો ઠીક, તેના આંદોલન સાથે જોડાયેલા નેતા પણ તેનાથી દૂર રહ્યા. સરકાર પણ ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સામે ન ઝૂકી અને તેને ‘વડીલોનું સન્માન કરતા’ પારણાં કરવા પડ્યા.

હાર્દિક 25 ઓગસ્ટ, 2015એ થયેલી મહાક્રાંતિ સભાની ત્રીજી વર્ષગાંઠ પર ઉપવાસ પર બેઠો હતો. તે ફરી એકવખત પાટીદારો માટે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત અને ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી રહ્યો હતો. જોકે, સરકારે તેની માંગ ન માની અને તેણે એમ કહેતા ઉપવાસ તોડ્યાં કે ‘હું સમાજના વડીલોના સન્માનમાં ઉપવાસ તોડી રહ્યો છું. હવે, તે મારી સાથે છે તો મારે કોઈ વાતની ચિંતા નથી. હું 19 દિવસના ઉપવાસ બાદ રિચાર્જ થઈ ગયો છું અને જો જરૂર પડી તો, આવતા 19 વર્ષ સુધી લડવાનું ચાલુ રાખીશ.’

આંદોલનના મોટા નેતાઓ ન આવ્યા

જોકે, હાર્દિકની ઓસરતી જતી અસરનો અંદાજ એ વાતથી લાગી રહ્યો હતો કે, થોડા ઘણાં સમર્થકો ઉપરાંત મોટા નેતાઓમાં માત્ર નરેશ પટેલ અને સીકે પટેલ ઉપસ્થિત હતા. લાલજી પટેલ, દિલીપ સબવા, અતુલ પટેલ કે દિનેશ બાંભણિયા જેવા અનામત આંદોલનના મોટા નેતાઓમાંથી કોઈપણ ત્યાં ન આવ્યું. એટલું જ નહીં, ઉપવાસ દરમિયાન પણ કોંગ્રેસના નેતા હાર્દિકને મળવા ગયા, પરંતુ પાટીદાર સમાજથી અંતર જાળવી રાખ્યું.

ધીરે-ધીરે ઓસરી રહી છે અસર

માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિકની વિરુદ્ધ વાતાવરણ ત્યારથી જ ઊભું થવા લાગ્યું હતું, જ્યારે 2015માં મહાક્રાંતિ સભામા તેણે પોતાને અનામત આંદોલનના નાયકના રૂપમાં પોતાને આગળ કરવાનો પ્રયાસ કર્યો. એ સમયે આંદોલનનું નેતૃત્વ લાલજી પટેલ કરી રહ્યા હતા. તો, લોકો ક્યારેક હાર્દિકને ભાજપનું મહોરું તો ક્યારેક કોંગ્રેસની કઠપૂતળી કહેવા લાગ્યા.

ગુજરાતની ચૂંટણીમાં તે પાટીદાર અનામત આંદોલન (PAAS)ના કોંગ્રેસથી દૂર રહેવાના નિર્ણયની વિરુદ્ધ જતો રહ્યો. ત્યાં સુધી કે અમદાવાદની એક હોટલમાં તત્કાલિક ભાવિ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા બાદ બ્રીફકેસ લઈને બહાર નીકળેલા હાર્દિક પર લોકોની શંકા વધતી ગઈ.

સેક્સ સીડીએ છોડ્યો ડાઘ

જોકે, હાર્દિકની છબિને સૌથી વધુ નુકસાન ત્યારે પહોંચ્યું જ્યારે ગુજરાતની ચૂંટણીના થોડા સમય પહેલા જ તેની સેક્સ સીડી બહાર આવી. તેણે ‘કેટલીક ભૂલો’ કર્યાનું કબૂલાત કરી, પરંતુ ત્યાં સુધી ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. ‘પાસ’ના નેતાઓએ જ તેનાથી અલગ રસ્તો પસંદ કરી લીધો.

આ બધા ઉપરાંત વિરમગામમાં બે રૂમના મકાનમાંથી નીકળી અમદાવાદના ફ્લેટમાં પહોંચેલો હાર્દિક જ્યારે ફોર્ચ્યૂનર ગાડીમાં ફરવા લાગ્યો, તો લોકોમાં એ આશંકા ઊભી થઈ કે તે પોતાનો રસ્તો ભટકી ગયો છે. અનામત આંદોલનને ભૂલી તે પોતાના પર ધ્યાન આપવા લાગ્યો છે. બાકી રહી ગયેલી કસર બહેનના લગ્નમાં લાખો રૂપિયાના ખર્ચાએ પૂરી કરી દીધી, જેને તેણે ‘એક ભાઈની ફરજ’ જણાવી હતી. જોકે, તાજેતરમાં જ તેની વસિયતમાં તેનું બેંક બેલેન્સ 50,000 રૂપિયા બતાવાઈ છે.

હાર્દિકની છબિ ઝાંખી પડતી જઈ રહી છે અને સરકારે પણ તેની માંગોને તદ્દન નજરઅંદાજ કરી દીધી છે. ‘પાસ’ના સૂત્રો મુજબ, તે ઉપવાસ બાદ બેંગલુરુમાં ડીટોક્સ માટે જઈ રહ્યો છે. હવે, જોવાનું એ રહેશે કે તે ત્યાંથી પોતાની ગુમાવેલી ચમક કેવી રીતે પાછી મેળવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker