હાર્દિકની હાલત નાજુક, સ્વામિનારાયણના સંતો મનાવવા પહોંચ્યા

અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસનો આજે સાતમો દિવસ છે. છેલ્લા છ દિવસથી અન્નનો ત્યાગ કરી ચૂકેલા હાર્દિકે પાછલા બે દિવસથી જળનો પણ ત્યાગ કર્યો છે. ત્યારે હવે આ ઉપવાસ આંદોલનની અસર હાર્દિકના બોલવા પર પણ વર્તાઈ રહી છે. ઉપરાંત તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. સામાન્ય રીતે હંમેશા જોશ અને ઉત્સાહમાં રહેતો હાર્દિક મોટાભાગે સૂતેલો જ રહે છે. ડોક્ટરો મુજબ હાર્દિકની સ્થિતિ નાજુક છે.

મનાવવા માટે સાધુ-સંતો પહોંચ્યા

ત્યારે શુક્રવારે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી સ્વામી સહિતના સાધુ સંતો હાર્દિકને મળવા માટે પહોંચ્યા હતા. સાધુ-સંતોએ હાર્દિકને પાણી પીવા માટે આગ્રહ કર્યો હતો. સાધુ-સંતો મળવા આવ્યા તે સમયે હાર્દિક થોડો ભાવુક થયો હતો. તો આ સમયે હાર્દિકના પિતા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વિશે વાત કરતા એસ.પી સ્વામીએ કહ્યું કે, અમે હાર્દિકને પાણી પીવા માટે પ્રાર્થના કરી છે કે તે પાણી પીલે. જોકે હાર્દિકે આ વિશે વાચરવા માટે એક દિવસની માગણી કરી છે. તો અમે પણ જ્યાં સુધી હાર્દિક પાણી નહીં પીવે ત્યાં સુધી અહીંથી ન જવાનું નક્કી કર્યું છે.

કિડની કામ કરતી બંધ થઈ

આ પહેલા સોલા સીવિલના ડોક્ટરોની ટીમ દ્વારા હાર્દિકનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં રિપોર્ટના આધારે જાણવા મળ્યું હતું કે હાર્દિકે પાણી પીવાનું બંધ કર્યું હોવાથી કિડની સહિતના અંગોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ઉપરાંત તેને શ્વાસ લેવામાં હાલ મુશ્કેલી સર્જાઈ રહી છે. તબિબોના મત અનુસાર હાલમાં હાર્દિકની સ્થિતિ નાજુક જણાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા હાર્દિકે સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે સરકાર તેના આંદોલનને તોડવા માટે મેડિકલ ચેકઅપના રિપોર્ટ નથી આપી રહી, તો ઉપવાસ સ્થળે આવનારા લોકોને પણ ત્યાંથી તગેડી રહ્યા છે. સાથે જ એવો પણ દાવો કરાયો હતો કે પોલીસ હાર્દિકના ઉપવાસ સ્થળે ખાવા-પીવાની જીવન જરૂરિયાતની વસ્તુઓને લઈ જતા રોકી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top